નાની છેર જમીન મામલે હાઈકોર્ટનો નવા માલિક તરફે ચુકાદો

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છના નાની છેર ગામની જમીન સંપાદન વળતર મામલે હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશમાં સરકારને નવા જમીન માલિકને વળતર ચૂકવા આદેશ આપ્યો છે. સરકાર દ્વારા કોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ થયો હતો. અહેવાલમાં જણાવ્યું હતું કે, જુના માલિકોની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે તથા ડેપ્યુટી મામલતદાર પી. એમ. સોઢા અને જમીન સંપાદન અધિકારી એસ. પી. મુનિયા વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આ બધાંની વળતરના હકદાર અરજકર્તાને વળતર નહીં મળે તેથી હાઈકોર્ટ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, વળતરની રકમ ક્યારે ચૂકવશો? રાજ્ય સરકારે જવાબ આપવા બે દિવસનો સમય માંગ્યો છે. કચ્છમાં રાજ્ય સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનનું વળતર સરકારે જમીનના જૂના માલિકને ચૂકવી દીધું હોવાનો આક્ષેપ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. કચ્છ કલેકટરે ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહી એફિડેવિટ રજૂ કરી હતી. જેની અંદર ઘણા દસ્તાવેજો હતા, જેમાં જૂના માલિકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તે પણ હતી. એફઆઈઆર વાંચતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, એફઆઈઆરમાં આરોપી તરીકે રેવન્યુ અધિકારીઓનું નામ કેમ નથી. જો એમનાથી જ આવી ભૂલ થઈ હોય તો એમને આરોપી કેમ નથી બનાવ્યા? એના જવાબમાં સરકારે કહ્યંy હતું કે, એમના સામે નોટિસ કાઢી છે. ખાતાકીય તપાસ કરવા માટે અને એપ્રુવલની રાહ જોઈ રહ્યા છીએ અને જો એમાં તથ્ય દેખાય તો કાયદાકીય જે પગલાં લેવાય તે લઈશું. અમે એમની સામે પગલાં લઈશું અને એમને પણ નહીં બક્ષીએ. બીજું એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, જૂના માલિકોની જે બીજી જમીન છે એના ઉપર રિકવરીની રકમનો બોજો નાખવામાં આવ્યો છે, તથા જૂના માલિકોને રકમની રીકવરી માટેની નોટીસ પાઠવવામાં આવી છે. હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે, નવા માલિકનું એટલે કે, અરજદારનું નામ રેવન્યુ રેકોર્ડ ઉપર નથી આવ્યું. તેના માટે કોર્ટમાં અલગથી પ્રોસાડિંગ્સ કરવામાં આવવી જોઈએ. બે વખત નોટિસ બજ્યા છતાં જુના માલિકો હાજર ન રહેતા હાઈકોર્ટે નારાજ થઈ હતી અને તેમના વિરુદ્ધ બેલેબલ વોરંટ કાઢ્યું હતું, જો કે, ત્યારબાદ જુના માલિકો કોર્ટમાં હાજર થતાં કોર્ટે વોરંટ રદ્દ કર્યું હતું.  અગાઉ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને કચ્છ જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવી હતી તેમજ કલેક્ટરને સમન્સ પાઠવી નવમી ડિસેમ્બરના રોજ હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો હતો તથા યોગ્ય પગલાં લઈ એફિડેવિટ સ્વરૂપે રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું હતું. જેથી કચ્છ જિલ્લા કલેક્ટરે જાતે હાજર રહી કોર્ટને એફિડેવિટ સુપરત કરી હતી. આ એફિડેવિટ યોગ્ય ના હોય તથા હાઈકોર્ટે કરેલાં ઓર્ડર મુજબનું ન હોઈ હાઈકોર્ટ ખફા થઈ હતી અને કડક વલણ અપનાવતાં કચ્છ જિલ્લા કલેક્ટરને ઠપકો આપ્યો હતો અને યોગ્ય પગલાં લઈ તથા જરૂર જણાય તો જુના માલિક સામે એફઆઈઆર નોંધાવી અને વળતર રૂપે આપેલા નાણાં રિકવર કરી આગામી મુદતે કચ્છ જિલ્લા કલેક્ટરે જાતે કોર્ટ સમક્ષ એફિડેવિટ ફાઈલ કરવા જણાવ્યું હતું. કચ્છના લખપત તાલુકાના નાની છેર ગામમાં ભદ્રેશ શાહે જમીન ખરીદી હતી તેમની રજૂઆત હતી કે, તેમણે વર્ષ 2006માં આ ગામમાં જમીન લીધી હતી. આ જમીનના પૈસા ચૂકવી ખરીદીની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષ 2011માં અહીં રાજ્ય સરકારે ગુજરાત મિનરલ કોર્પોરેશન લિમિટેડના એક પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરી હતી અને તેમાં તેમની જમીનનો પણ સમાવેશ થતો હતો. જો કે, આ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ  જમીનનું વળતર તેમને નહીં પરંતુ જૂના માલિકને ચૂકવવામાં આવ્યું છે. વળતર માટે તેમણે સ્થાનિક કક્ષાએ ઘણી રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. સ્થાનિક મહેસૂલ વિભાગને પણ જાણકારી છે કે વર્ષ 2006માં તેમણે જમીન ખરીદી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer