કચ્છમાં વધુ બે દિવસ ઠંડીનું મોજું વર્તાવાની આગાહી

નલિયા, તા. 21 : છેલ્લા એક અઠવાડિયાથી કચ્છમાં ફરી વળેલા ઠંડીના મોજાંની ધાર બે દિવસથી હળવી બની છે. પવનની ઝડપ ઘટવા સાથે મહતમ પારો ઉંચકાતાં લોકોને  શીત સકંજામાંથી  રાહત મળી હતી. નલિયામાં લઘુતમ પારો સતત બીજા દિવસે 5.4 ડિગ્રીના આંકે સ્થિર રહેતાં ટાઢોડું યથાવત રહ્યું હતું. અન્યત્ર લઘુતમ પારો 1થી 2 ડિગ્રી ઉંચકાયો હતો. આ તરફ હવામાન વિભાગે કચ્છમાં હજુ બે દિવસ કોલ્ડવેવ જારી રહેવાની આગાહી કરી છે. નલિયાથી મળેલા અહેવાલ અનુસાર સવારના ભાગમાં પવનની તીવ્રતા વધુ હોતાં ઠંડીનો અનુભવ થયો હતો. દિવસ ચડતો ગયો, સૂર્ય દેવતાનું આગમન થયું અને પવનની ગતિ પણ બપોરે થોડી મંદ પડતાં બપોરના ભાગે રાહત અનુભવાઇ હતી, પરંતુ સાંજે પાછું ટાઢોડું ચાલુ રહ્યું હતું. ભુજમાં બે ડિગ્રીના વધારા સાથે પારો 11.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. કંડલા (એ) અને ન્યૂ કંડલામાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer