જી.કે. જનરલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ માટે અલગથી વોર્ડ બનાવાયો

ભુજ, તા. 21 : કચ્છ જિલ્લામાં સિઝનલ સ્વાઈન ફ્લુના કેસ સામે આવ્યા છે. સિઝનલ ફ્લુ સામે સાવચેતી એ જ સારવાર ઘણી શકાય. જેથી જીવલેણ સિઝનલ ફ્લુથી બચી શકાય. જો કે હવે ભેજયુક્ત વાતાવરણમાં જ પ્રસરતા સ્વાઈન ફ્લુને સરકારે સિઝનલ ફ્લુ તરીકે જાહેર કરી દીધો છે, તેની માટે દરેક મોટી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે. કચ્છની જી.કે. જનરલ હોસ્પિટલમાં પણ અલગથી આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે જેથી સિઝનલ ફ્લુના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે. સિઝનલ ફ્લુના કિસ્સામાં ડાયાબીટીસ, હાઈપર ટેન્શન, ફેફસાની બીમારી, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી, વૃદ્ધાવાસ્થાએ પહોંચેલા લોકો, પાંચ વર્ષથી નીચેના બાળકો, સગર્ભા સ્ત્રીઓને હાઈ રિસ્કની શ્રેણીમાં ગણવામાં આવે છે આ શ્રેણીમાંથી કોઈનું સિઝનલ ફ્લુથી મોત નીપજે તો તેને એસોસિએટ સિઝનલ ફ્લુ ડેથ તરીકે ગણવામાં આવે છે. સિઝનલ ફ્લુના લક્ષણો જેવાં કે, શરદી, ખાંસી અને ગાળામાં દુખાવો અને ભારે તાવ, શરીર તૂટવું અને નબળાઈ, ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા, શ્વાસ ચડવો જેવા ન્યુમોનિયાના લક્ષણો જણાય તો તરત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર મુલાકાત લઇ વિનામુલ્યે સારવાર કરાવવી હિતાવહ છે..રોગથી બચવા માટે ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો,ઉધરસ, છીંક ખાતીવખતે મોઢું અને નાક ઢાંકવા, હસ્તધૂનનને બદલે નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો, હાથ સાબુ અને પાણીથીવારંવાર ધોવો, ખૂબ પાણી પીવો અને પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ લેવા આરોગ્ય તંત્રે અનુરોધ કર્યો હોવાનું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer