નેત્રા નજીકના માર્ગ ઉપર બાઇકની ટક્કરથી ઘવાયેલા પ્રૌઢે જીવ ખોયો

ભુજ, તા. 21 : નખત્રાણા તાલુકામાં નેત્રા ગામ નજીકના રોડ ઉપર છકડો રિક્ષામાંથી ઊતરતી વેળાએ અકસ્માતે બાઇકની હડફેટે આવી જવાથી ગંભીર રીતે ઘવાયેલા ઉસ્તિયા ગામના કાનજી વાછિયા મહેશ્વરી (ઉ.વ.58)નો સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે જીવનદીપ બુઝાયો હતો, જ્યારે ભુજ તાલુકાના સીમાવર્તી મથક ખાવડા ખાતે ભીલાલ સિધિક સમા (ઉ.વ. 22)એ બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇને મોત નોતરી લીધું હતું. પોલીસસૂત્રોએ આપેલી માહિતી મુજબ નેત્રા ગામ નજીકના રોડ ઉપર પાંચ દિવસ પહેલાં અકસ્માતની ઘટના બની હતી. છકડો રિક્ષામાંથી ઊતરતી સમયે કાનજીભાઇ મહેશ્વરીને બરાબર આ જ સમયે બાજુમાંથી પસાર થયેલી બાઇકની જોરદાર ટક્કર લાગી હતી. આ ઘટનામાં ગંભીર ઇજાઓ પામેલા ભોગ બનનારને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નખત્રાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે સરહદી મથક ખાવડા ખાતે ભીલાલ સમાની આત્મહત્યાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ મરનારે આજે બપોરે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. મરનારે પોતાની છેલ્લા કેટલાક સમયથી બીમારીથી ત્રસ્ત બનીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટીએ આવ્યાનું પોલીસે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer