ભારાપર કંપનીના અધિકારી-કર્મીઓને સરપંચના પતિએ ધમકી આપતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 21 : તાલુકાના ભારાપરમાં આવેલી કંપનીના સંચાલકો, કર્મીઓને મારી નાખવાની ધમકી આપતા કિડાણા સરપંચના પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ થઇ હતી. બીજી બાજુ મેઘપર બોરીચીની એક કંપનીના સહાયક મેનેજરને માર મારતા ત્રણ લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. તેમજ ગાંધીધામના સુંદરપુરીમાં ગટર લાઇન બાબતે બે મહિલા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો.ભારાપરની સાલ સ્ટીલ લિમિટેડ કંપનીના અનિલકુમાર સતીશચંદ્ર પંડયાએ કિડાણા ગામના મહિલા સરપંચના પતિ એવા સાગર ઝરૂ તથા રમેશ ઝરૂ, રઘુ ઝરૂ અને દશરથ ઝરૂ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ તહોમતદારોએ કંપનીના ગેઇટ ઉપર આવી પોતાની ગાડી દરવાજા વચ્ચે રોકી દીધી હતી અને અમરજીતસિંઘ, સંજીવકુમાર ઝા તથા એસ. કે. શુક્લા સાથે માથાકૂટ કરી હતી. આ શખ્સોએ તેમને આ કંપનીમાં કામ કરશો તો ગામમાં નહીં રહેવા દઇએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમ્યાન આ સુરક્ષા કર્મીઓએ કંપનીના અધિકારી એવા હિન્દુજાભાઇને જાણ કરતાં તેઓ અહીં આવ્યા હતા. આ લોકોએ તેમને પણ ધમકી આપી હતી.બીજી બાજુ મેઘપર બોરીચીની જીનસ કંપનીના સહાયક મેનેજર એવા અવધેશ કુમાર સત્યનારાયણ વિશ્વકર્મા ઉપર હુમલો થયો હતો. આ કંપનીમાં કામ કરનારો માધાપરનો મહેશ અર્જુન ગઢવી સમય ઉપર નોકરીએ ન આવતો હોવાથી આ ફરિયાદી અવધેશે તેની પાળી રાત્રિની કરી નાખી હતી. જેનું મન દુ:ખ રાખી ગઇકાલે સાંજે આ આરોપીએ ફરિયાદીને રસ્તામાં રોકયો હતો. અને ઉશ્કેરાઇ જઇ આ આરોપી તથા તેની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સો એમ ત્રણ લોકોએ આ આધેડ ઉપર  લાકડી વડે હુમલો કરી નાસી   ગયા હતા. આ બન્ને બનાવો અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ એક મારામારીનો બનાવ શહેરનાં સુંદરપુરીમાં મોમાય માતાજીના મંદિર પાસે બન્યો હતો. અહીં નગરપાલિકા ગટરની લાઇન નાખી રહી છે. આ ગટર લાઇન મુદે્ ઉશ્કેરાઇ જઇ ગૌતમ ગાંગજી મહેશ્વરી તથા તેની માતાએ લોખંડના પાઇપ વડે હુમલો કરતાં ખેતબાઇ વેલજી મહેશ્વરી (ઉ.વ. 85) તથા ઉષાબેન મગન મહેશ્વરી (ઉ.વ. 40) ને ઇજાઓ પહોંચી હતી. આ બનેને પ્રથમ રામબાગ અને વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં  આ બંનેએ પોલીસને પ્રાથમિક વિગતો લખાવી હતી આ અંગે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer