દોસ્ત દોસ્ત ના રહા... ભુજમાં ઘેનયુકત પીણું પીવડાવી યુવાનને મિત્રએ ધુત્યો

ભુજ, તા. 21 : આ શહેરમાં મિત્રએ મિત્રને ઠંડાપીણામાં કોઇ ઘેનયુકત પ્રવાહી પીવડાવી તેને મૂર્છિત જેવો કરી નાખ્યા બાદ તેના મોબાઇલ અને બાઇક તથા એ.ટી.એમ. કાર્ડ હસ્તગત કરી રૂા. 43 હજારની રકમ સેરવી લીધી હોવાનો કિસ્સો પોલીસ મથકે ફરિયાદના સ્વરૂપમાં નોંધાયો છે. શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ ખાતે રહેતા અને તાલુકાના માધાપર ગામે ગાયત્રી મંદિર પાસે પ્રણવ કોમ્પલેક્ષમાં શેરબજારનો વ્યવસાય કરતા નીરવ અશોકભાઇ સોની નામના યુવાને તેની સાથે થયેલી આ છેતરપિંડી અને ઉચાપત બાબતે ભુજના જયનગર વિસ્તારમાં શકિતધામ સામે રહેતા હર્ષ હિતેશ ગઢવી સામે આ સબંધી ફરિયાદ દાખલ કરાવી હતી. ભુજ બી. ડિવિઝન પોલીસે કલમ 406 મુજબ વિધિવત ગુનો દાખલ કર્યો હતો. ફોજદાર વી.આર.ઉલ્વાને કેસની તપાસ અપાઇ છે. પોલીસ સાધનોએ આ અંગે લખાવાયેલી ફરિયાદને ટાંકીને વિગતો આપતાં જણાવ્યું હતું કે ગત તા. 11મીના મિત્ર થતો હોવાના નાતે આરોપી હર્ષ ગઢવી ભોગ બનનારા નીરવ સોનીની ઓફિસે આવ્યો હતો. નીરવની તબિયત સારી ન હોવાથી તેણે પોતાની બાઇક અને પત્નીનું એ.ટી.એમ. દવા લેવા માટે આપ્યા હતા. આ પછી ઓફિસે આવેલા આરોપીએ નીરવને ઠંડાપીણામાં કોઇ ઘેનયુકત પ્રવાહી ભેળવીને પીવડાવી દીધું હતું. આના કારણે ભોગ બનનાર સૂઇ ગયા પછી આરોપી મોબાઇલ અને બાઇક લઇ જવા સાથે એ.ટી.એમ. દ્વારા ખાતામાંથી રૂા. 43 હજાર કાઢી ગયો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer