દીપડાને માંડવી તાલુકાના મકડા ગામના જંગલમાં છોડી મુકાયો

ભુજ, તા. 21 : સોમવારે વહેલી સવારે નખત્રાણા તાલુતકાના ગોધિયાર ગામે ઘરમાં ઘૂસી આવેલા દીપડાને વનતંત્ર દ્વારા રેસ્ક્યુ કરી મોડી રાત્રે માંડવી તાલુકાના મકડા ગામ નજીક ગાઢ જંગલમાં છોડી મૂકવામાં આવ્યો છે.પશ્ચિમ કચ્છના મદદનીશ નાયબ વનસંરક્ષક વાય.એ. કુરેશીએ આપેલી વિગતો મુજબ થાન જાગીર નજીકની સોઢા વસાહતમાં ઘરમાં ઘૂસી આવેલા દીપડાને મકાન માલિકની સમયસૂચકતાના કારણે વનતંત્રએ ડી.એફ.ઓ. બી.જે. અસારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના એસીએફ શ્રી પ્રજાપતિ, તુષાર પટેલ, સીસીએફ અશ્વિન પરમાર અને આર.એફ.ઓ. વિજયસિંહ ઝાલાની ટીમ સાથે રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવ્યો હતો.ચારેક કલાકની જહેમત બાદ પકડાયેલા દીપડાને જૂનાગઢથી બોલાવાયેલા ખાસ ડોક્ટર  દ્વારા ચીપ્સ બેસાડવામાં આવી હતી. જેના કારણે ભવિષ્યમાં ફરી આ દીપડો ક્યાંય પકડાય તો તેની ઓળખ થઈ શકે. શ્રી કુરેશીએ જણાવ્યું હતું કે, મકડા નજીક ડુંગરાળ વિસ્તાર ગાઢ જંગલ અને પાણી સ્રોત ધરાવે છે. તેમ અહીં અન્ય દીપડાના પણ નિવાસ છે અને અમુક વન્યજીવ સંરક્ષકોની દીપડાને કચ્છ બહાર ન લઈ જવાની રજૂઆતના કારણે વનતંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું અને સોમવારે મોડી રાત્રે જ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. દીપડાને પકડી લેવા બદલ ગામલોકો દ્વારા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વાલ્ડ વોર્ડન અખિલેશભાઈ અંતાણીએ આ દીપડાને કચ્છ બહાર ન મોકલવા વનતંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer