ભક્તિમાર્ગમાં છુપાયેલી છે સાચાં સુખની ચાવી

ભુજ, તા. 21 : તાલુકાના દેશલપરના લક્ષ્મીનારાયણ કેન્દ્ર ખાતે યોજાયેલી પૂર્ણિમા સત્સંગ સભામાં સંતોએ પ્રેરણાદાયી પ્રવચનો આપ્યાં હતાં. સંસ્થાના માર્ગદર્શક સંત સ્વામી વૃંદાવનવિહારીદાસજીએ સતત હરિ સ્મરણ કરનાર માટે ભગવાન દુર્લભ નથી કામની સાથે રામને પણ સ્મરતા રહેવું જોઈએ તો જ જન્મમરણના બંધનમાંથી મુક્તિ મળશે. શ્રીશ્રીદેવીએ શરીરને પાંચ તત્ત્વના બનેલા બંગલાની ઉપમા આપી સાચી ઓળખ કરી લેવા શીખ આપી હતી. સ્વામી બ્રહ્મસ્વરૂપદાસજીએ આદી શંકરાચાર્યના સ્તોત્રને ટાંકીને જણાવ્યું હતું કે, મનુષ્યે સંસારરૂપી સાગરને પાર કરવા મોહ-માયા અને આશાતૃષ્ણાનો ત્યાગ કરવો જોઈએ. ધરમપુરના બટુકભાઈ વ્યાસે વૈદ્ય અને ગુરૂને કડવું લાગે તો પણ સાચી સલાહ આપવી જોઈએ તેમ કહી નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ ગણાવી હતી. ભક્તિ માર્ગમાં સાચા સુખની ચાવી છે તેમ તેમણે કહ્યું હતું. ગીરીજીગીરીજીએ સત્સંગ  જીવનમાં ઉતરે તો જ ગુણકારી થાય અને ભક્ત ભજનમાં સતત ભરપૂર રહેવો જોઈએ તેવી શીખ આપી હતી. રામપ્રકાશ વ્યાસજીએ કલહ અને દ્વૈષભાવથી દૂર રહેનારા વિદ્વાનો અને સંતોની સંગત કરવા જણાવ્યું હતું અને વેદમંત્રનું જ્ઞાન કરાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ જેઠાબાપાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે ધાર્મિક પ્રસંગોમાં યથાયોગ્ય દાન અવશ્ય આપવું જોઈએ.મહામંત્રી રતિભાઈ પોકારે સૌને આવકાર્યા હતા. સત્સ્ંગ સભામાં સંસ્થાના ટ્રસ્ટી હંસરાજભાઈ ધોળુ, ઉપપ્રમુખ ડો. પ્રેમજીભાઈ ગોગારી, ધનજીભાઈ પટેલ, માવજીભાઈ ગોસ્વામી, ઈશ્વરગીરી ગોસ્વામી તેમજ ધીરજભાઈ ભગત હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer