પશુપાલકોની આવક 2022 સુધીમાં બમણી થાય તેવા પ્રયાસો અવિરત

ભુજ, તા. 21 : લખપત તાલુકાની પશુપાલન શિબિર નરા ગામે યોજાઇ હતી. આ શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હાજરી આપી હતી. નાયબ પશુપાલન નિયામક ડો. કે. જી. બ્રહ્મક્ષત્રિયે નફાકારક પશુપાલન માટે જરૂરી બાબતો પ્રત્યે પશુપાલકોનું ધ્યાન દોરી હાલની પશુપાલકની આવક સને 2022 સુધીમાં બમણી થાય તે માટે સરકારના પ્રયત્નો વિશે માહિતી આપી હતી. વિશ્વના કુલ્લ દૂધ ઉત્પાદનમાં લગભગ 18 ટકા ઉત્પાદન સાથે ભારતદેશ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે જે તમામ પશુપાલકોના સહિયારા પ્રયત્નોનું પરિણામ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે પશુપાલન વ્યવસાય સાથે ભાવિ પડકારો અને તેના ઉકેલ માટેની છણાવટ પણ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ આ સમયે લખપત તાલુકા પશુપાલન સારવાર હેલ્પલાઇનનો પ્રાયોગિક ધોરણે શુભારંભ કરાવ્યો હતો, જેમાં લખપત તાલુકામાં કાર્યરત ડી.એમ.એફ. યોજના, 10 ગામ દીઠ 1 પશુ દવાખાનાની યોજના તેમજ જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની સારવાર સુવિધાઓના સંકલનથી આ સુવિધા કાર્યરત કરાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ માટે નિયત મોબાઇલ નં. 95375 21182 પર સવારે આઠથી અગિયાર વાગ્યા સુધીમાં પશુપાલકે પોતાના પશુની વિગત નોંધાવી દેવાની રહેશે. તેમણે લખપત તાલુકાના અંતરિયાળ વિસ્તારના પશુપાલકો માટેની જિલ્લા પંચાયતની આ નવીન પહેલનો વિવેકપૂર્વક લાભ લેવા અને પશુપાલન વૈજ્ઞાનિક ધોરણે કરવા માટે અપીલ કરી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પશુપાલન વ્યવસાય રસ, લાગણી અને સૂઝબૂઝથી કરવામાં આવે તો હંમેશાં નફાકારક જ હોવાનું જણાવી ઓછા પણ સારા પશુ રાખવા અને પાડી-વાછરડી ઉછેર પ્રત્યે ખાસ ધ્યાન રાખવા ભલામણ કરી હતી.પ્રારંભમાં સરપંચ રાજુભાઇએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પશુપાલન શાખાના ડો. એચ. એમ. ઠક્કર, ડો. વી. ડી. રામાણી, ડો. એચ. એ. શર્મા, ડો. બી. એમ. રાજન વગેરેએ પશુપાલનના વિવિધ પાસાંઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer