બેંગ્લોરમાં આજે નિર્ણાયક વન-ડે જંગ

બેંગ્લોર, તા. 18 : રાજકોટમાં મજબૂત જીતથી ફરી આત્મવિશ્વાસ મેળવનારી ટીમ ઈન્ડિયા આવતીકાલે અહીં સંતુલિત ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ઉતરશે ત્યારે વિરાટસેનાની નજર શ્રેણીજીત પર રહેશે. વિશ્વ ક્રિકેટની બે બળુકી ટીમ વચ્ચે ફાઈનલ સમો જંગ જામે તેવી શક્યતા છે. મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. પહેલી વન-ડેમાં ઓસીએ ભારતને તમામ મોરચે પછાડયું હતું, પણ રાજકોટમાં ભારતે સારી વાપસી કરી અને ખાસ કરીને બેટિંગ કોમ્બિનેશન પણ યોગ્ય રહ્યું. વિરાટ કોહલી પોતાના મનપસંદ ત્રીજા ક્રમે આવ્યો અને શાનદાર બેટિંગ કરી તો લોકેશ રાહુલે પાંચમા ક્રમે આવીને અફલાતૂન બેટિંગ કરી અને ખાસ તો અંતિમ ઓવરો મુજબની ફટકાબાજી પણ કરી બતાવી. અન્ય ટીમો ભલે એશિયામાં કમજોર હોય, પણ ઓસી અહીં પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે. તેણે એશિયામાં સળંગ દસ મેચ જીતવાનું પરાક્રમ કર્યું હતું અને રાજકોટમાં એ સિલસિલો ખતમ થયો હતો. ઓસી પાસે ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ જેવા દિગ્ગજ બેટધરો તો પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક જેવા ખતરનાક બોલરો છે, ત્યારે ભારતે જીત માટે જોર લગાવવું પડશે. રિષભ પંત ફિટ થઈ ગયો છે અને જો તે વાપસી કરશે તો સંભવત મનીષ પાંડેએ બહાર જવું પડશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ભારતમાં વન-ડે મેચોમાં 2-0થી પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરીને શ્રેણી 3-2થી જીતી લીધી હતી. ભારતની સામે તેના ઘરમાં રમવાની બાબત હરીફો માટે હંમેશાં પડકારરૂપ હોય છે, પરંતુ ઘરઆંગણે ભારતીય ટીમ સામે જોરદાર દેખાવ કરવા ઓસ્ટ્રેલિયાની ટીમ સંપૂર્ણ સજ્જ છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer