ભચાઉની દાઝી ગયેલી પરિણીતાએ સારવાર દરમ્યાન દમ તોડયો

ગાંધીધામ, તા. 18 : ભચાઉની દાઝી ગયેલી પરિણીતા એકતાબેન સાગરભાઈ અસારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે કોલીયાસરી નજીક ટ્રેન હડફેટે માનીયા ભુરા ઠાકોર (ઉ.વ.22)નું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રામકૃષ્ણ કોલોનીમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 9ના સવારે 10 વાગ્યાના અરસામાં બન્યો હતો. પ્રાયમસમાં ભડકો થતાં હતભાગી પરિણીતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેણીને પ્રાથમિક સારવાર આદિપુર ખાતે અપાયા બાદ તાકીદની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેણીએ ગત તા. 17ના સાંજે 5.15 વાગ્યાના અરસામાં દમ તોડી દીધો હતો. ભચાઉના કોલીયાસરી નજીક રેલવે ટ્રેક પાસે અકસ્માત મોતનો બનાવ આજે બપોરે 12 વાગ્યાથી સાંજે પ વાગ્યાના અરસામાં બન્યો હતો. કોઈ પણ ટ્રેન તળે હતભાગી યુવાન કચડાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer