કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરને ગોળી મારીને મોતને ઘાટ ઉતારાયા

રાજકોટ, વઢવાણ, તા. 18 : મનુષ્ય પોતાની કક્ષાએથી જાનવર કરતાં પણ નીચે જઈ રહ્યો છે, તેની સાબિતી આપતી ઘટના ગઈકાલે કચ્છના નાનાં રણમાં બની હતી. ધ્રાંગધ્રા તાલુકાના કુડા-કોપરણી રણ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ત્રણ ઘૂડખર પ્રાણીને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બનાવથી રણ આસપાસના ગામડાંના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને વન વિભાગ તથા પોલીસ તંત્ર પણ વિમાસણમાં મુકાઈ ગયું છે કે, આ હત્યા કોણે કરી ? શા માટે કરી ? આ બનાવ માત્ર ગુજરાતમાં નહીં, દેશભરમાં ચકચાર જગાવશે કારણ કે, ઘુડખર અભયારણ્ય આખા એશિયામાં એકમાત્ર ધ્રાંગધ્રા પાસે જ છે. આ બનાવની સીલસીલાબંધ વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પાસે કચ્છનું નાનું રણ આવેલું છે અને તે ખૂબ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. ઘોડા અને ગધેડાના મિશ્રણ જેવું ઘુડખર નામના પ્રાણીનો આ રણમાં વર્ષોથી વસવાટ છે. ઘુડખરને અંગ્રેજીમાં વાઈલ્ડ એસ (જંગલી ગધેડા) કહેવાય છે. આ ઘુડખરનું વન્ય પ્રાણી કાનૂનમાં સિંહ જેટલું જ મહત્વ છે. તેથી તે પ્રાણી રક્ષા કાયદાના શિડયુઅલ વનમાં આવે છે. ગઈકાલે સ્થાનિક લોકોએ પોલીસ અને વન વિભાગને જાણ કરી કે, કુડા-કોપરણી રણ વિસ્તારમાં ત્રણ ઘૂડખર લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામેલી અવસ્થામાં પડયા છે અને તેને કોઈએ ગોળી મારી દીધી છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. વન વિભાગના તબીબોની ટીમે ઘુડખરના મૃતદેહમાંથી વીસેરાના નમૂના લીધા હતા અને એફએસએલમાં મોકલી આપ્યા હતા. ઘટના સ્થળેથી ફુટેલા કાર્ટીસ મળી આવ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer