ગાંધીધામમાં ટ્રાન્સફર ફીના ઘટાડાયેલા દર લાગુ

ગાંધીધામમાં ટ્રાન્સફર ફીના ઘટાડાયેલા દર લાગુ
ગાંધીધામ, તા. 18 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા લાખોમાં વસૂલાતી ટ્રાન્સફર ફીના દરમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોર્ટના અધ્યક્ષે આજથી ટ્રાન્સફર ફીનું નવું માળખું લાગુ થયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે પોર્ટની અન્ય સિદ્ધિઓ અને પોર્ટના વિકાસને વધુ વેગ આપવા માળખાંકીય સુવિધાઓ વિકસાવવાની યોજના અંગેનો ચિતાર પણ આપ્યો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સભાખંડમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં ડીપીટી ચેરમેન એસ.કે.મેહતાએ ગાંધીધામ શહેરમાં ટ્રાન્સફર ફીના સુધારેલા માળખાંને લાગુ કરવા માટે પોર્ટ દ્વારા આજે પરિપત્ર જારી કર્યો હોવાનું જણાવી આજનો દિવસ ગાંધીધામના લોકો માટે મહત્ત્વનો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વધુ પ્રમાણમાં વસૂલાતી ટ્રાન્સફર ફીના ઘટાડા માટે લાંબી લડાઈ અને લાંબો સંઘર્ષ હતો. ગાંધીધામ ચેમ્બરના સહયોગથી લોકો જે ચાહતા હતા, તે મુજબ આજથી ગાંધીધામમાં મિલ્કત માટે ટ્રાન્સફર ફીની નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાન્સફર ફી વધુ હતી અને તેમાં ઘટાડો પણ વધુ કરવામાં આવ્યો છે. કુલે 98 ટકા જેટલો કાપ મૂકાયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગાંધીધામના લોકોને વચન આપ્યું હતું અને તેમના સકારાત્મક પ્રયત્નોથી આ બાબત શક્ય બની છે. તેમજ વહીવટી પ્રક્રિયા પાર પાડવા માટે કેન્દ્રીય શિપિંગ સચિવ ગોપાલકૃષ્ણએ સતત પ્રયત્નો કર્યા હોવાનું ઉમેર્યું હતું. તેમણે પોર્ટની વિવિધ સિદ્ધિઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડી.પી.ટી. છેલ્લાં 12 વર્ષથી દેશના મહાબંદરોમાં અવ્વલ રહ્યું છે. કાર્ગો હેન્ડલિંગમાં અવ્વલ રહેતાં દીનદયાળ પોર્ટનો ગ્રોથ રેટ પણ દેશના મહાબંદરો કરતાં વધુ રહ્યો છે. મંદીના દોરમાં પણ ગ્રોથ રેટ 9 ટકા રહ્યો હોવાની માહિતી આપી પોર્ટની આ સિદ્ધિને શિપિંગ સચિવે બિરદાવી હોવાનું જણાવ્યું હતું. અધ્યક્ષ શ્રી મેહતાએ પોર્ટના ભાવિ વિકાસ માટે વિઝન તૈયાર કર્યું હોવા અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, આગામી 10 વર્ષમાં 200 મિલિયન મેટ્રિક ટન સુધી કાર્ગો હેન્ડલિંગ લઈ જવાશે. સૌના સહયોગથી આ બાબત સંભવ હોવાનું કહ્યું હતું. પોર્ટ દ્વારા ટ્રાફિક વધારવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં સેવાના દરમાં જરા માત્ર પણ વધારો કરવામાં આવ્યો નથી અને આગામી ત્રણ વર્ષ સુધી આ જ સેવાના દર યથાવત રખાશે. કોસ્ટલ ટ્રાફિકમાં માટે પોર્ટ હબ બની રહ્યંyં છે. યુઆરસી, સીઆરસીમાં રાહત આપવામાં આવતાં કન્ટેઈનર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો હોવાની માહિતી આપી હતી. પોર્ટના વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોર્ટની એક્ટિવિટીમાં કયા કામ તાત્કાલિક હાથ ઉપર લેવાં, કયા કામ પાછળથી કરવાં તે મુજબ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોર્ટમાં હજી ઘણી માળખાંકીય સુવિધાની જરૂરિયાત હોવાનું જણાવી આગામી સમયમાં રૂા.બે હજાર કરોડના ખર્ચે રોડ, લાઈટ, ડ્રેનેજ, સ્ટોરેજ એરિયા, જેટીઓનું સમારકામ, પાર્કિંગની સુવિધા, નવા ગોદામો બનાવવાના કામો હાથ આયોજન હોવાનું અધ્યક્ષે ઉમેર્યું હતું. કંડલા બંદર દેશનું લિક્વિડ હબ છે. હાલ પ્રવર્તમાન સમયમાં લિક્વિડ કાર્ગોના જહાજોને બે થી ત્રણ દિવસ રાહ જોવી પડે છે. આ વેઈટિંગમાં ઘટાડો લાવવા ચાર નવી ઓઈલ જેટી બાંધવામાં આવશે. તેમજ ઓઈલ પાઈપલાઈનનું નેટવર્ક બદલવાની કામગીરી કરાશે. આ કામ ચેન્નઈ આઈઆઈટીના માર્ગદર્શન હેઠળ કરાશે. કોલસાના હેન્ડલિંગની કામગીરી હવેથી વિવિધ સુવિધાઓ સાથે 15 અને 16 નંબરના બર્થ ઉપર કરાશે. પોર્ટ દ્વારા પેન્શન મેનેજમેન્ટ સીસ્ટમ વિકસાવવામાં આવી છે. જે આગામી દિવસોમાં બીજાં મહાબંદરો માટે માર્ગદર્શક બનશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ અનિલ જૈને આ નિર્ણય બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી ગાંધીધામ સંકુલના લોકોને મોટો આર્થિક ફાયદો થશે તેવું જણાવ્યું હતું. આ વેળાએ ડીપીટીના સેક્રેટરી વેણું ગોપાલ, ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન ટી. શ્રીનિવાસ, ચીફ એન્જિનીયર શ્રી પાટીલ, ડી.એન. સોંઢી, ચીફ ઓપરેશનલ મેનેજર શ્રી ગૌરવ, લેબર ટ્રસ્ટી મનોહર બેલાણી, એલ. સત્યનારાયણ, ચેમ્બરના પૂર્વ પ્રમુખ દિનેશ ગુપ્તા, ગાંધીધામ ચેમ્બરના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પોર્ટ દ્વારા વસૂલાતી ટ્રાન્સફર ફી મામલે ચેમ્બર દ્વારા તાજેતરમાં જન આક્રોશ રેલીનું આયોજન કરી આંદોલન કરાયું હતું. આ ઘટાડાથી ગાંધીધામના લોકોને મોટી આર્થિક રાહત થશે તેવી લાગણી જાણકારોએ વ્યક્ત કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer