નલિયા 3.8 ડિગ્રીએ ઠંડુંગાર

નલિયા 3.8 ડિગ્રીએ ઠંડુંગાર
નલિયા/ભુજ, તા. 18 : ઉત્તરાયણના દિવસથી કચ્છમાં ફરી વળેલું કાતિલ ઠંડીનું મોજું સામાન્ય વધઘટ સાથે શનિવારે પણ જારી રહ્યું હતું. નલિયામાં મામૂલી વધારા સાથે લઘુતમ પારો 3.8 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. કચ્છના આ ટોપ મથકે વધુ એક દિવસ રાજ્યના શીત મથકમાં મેખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. પવનની ઝડપ ઘટવા સાથે મહત્તમ પારો થોડો ઊંચે ચડતાં દિવસે રાહત વર્તાઇ હતી. આ તરફ હવામાન વિભાગે હજુ બે દિવસ કોલ્ડ વેવ જારી રહેવાની આગાહી કરી છે. નલિયાથી પ્રાપ્ત અહેવાલ અનુસાર કાતિલ ઠંડીનું મોજું સતત ચોથા દિવસે પણ ચાલુ રહેતાં લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે પણ 3.8 ડિગ્રી ઠંડી નોંધાતાં જનજીવન ઠૂંઠવાયું હતું. ગઇકાલે 3.4 ડિગ્રી ઠંડી નોંધાયા પછી આજે પણ ઠંડીનો પારો 3 ડિગ્રીની આસપાસ રહેતાં લોકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. ઠંડીની ભારે અસર વર્તાતાં મોડી સાંજ પછી બજારો અને જાહેર સ્થળે મર્યાદિત ચહલ-પહલ રહી હતી. ઠંડી ઉડાડવા લોકોએ તાપણાંની મદદ લીધી હતી. જિલ્લા મથક ભુજમાં લઘુતમ પારો 8.8 ડિગ્રી પર અટકેલો રહ્યો હતો. મોડી સાંજથી વહેલી સવાર સુધી કડકડતી ઠંડીની ચમક અનુભવાયા બાદ બપોરના સમયે લોકોએ હૂંફાળા માહોલની અનુભૂતિ કરી હતી. કંડલા પોર્ટમાં 8.5 અને કંડલા એરપોર્ટમાં 9.1 ડિગ્રી તાપમાને ગાંધીધામ સંકુલ ઠંડીમાં ઠૂંઠવાયું હતું. બપોરના સમયને બાદ કરતાં આખો દિવસ ઠંડીની તીવ્રતા જારી રહેતાં સૂરજબારીથી લઇ કોટેશ્વર સુધીના વિસ્તારમાં શીતસકંજાની અસર વર્તાતાં લોકોને ગરમ કપડાંમાં વીંટળાયેલા રહેવું પડયું હતું. કચ્છના ચાર સહિત રાજ્યના 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer