ભુજનો ઉત્તરાદો સીમાડો સોળેકળાએ ખીલ્યો

ભુજનો ઉત્તરાદો સીમાડો સોળેકળાએ ખીલ્યો
વસંત અજાણી દ્વારા ભુજ, તા.18 : દર વરે એણાં મીં પે ત કચ્છ કાશ્મીર જેડો નીલો થઈ વેંને ! આ માબોલી કચ્છી ભાષાના શબ્દો સૂકા મૂલક કચ્છમાં મેઘરાજા જ્યારે મહેરબાન થાય ત્યારે મી તરસ્યા મુલકના માનવીના હૈયામાંથી સરી પડતા હોય છે. ગત વરસે માલિકે મોં માંગ્યા મી કચ્છની ધરા પર વરસાવ્યા-ભારત દેશમાં ક્ષેત્રફળ વિસ્તારની દૃષ્ટિએ બીજા નંબરના આ જિલ્લામાં રણ, દરિયા અને ડુંગરની સાથે જંગલના પણ વિસ્તાર આવેલા છે, ત્યારે આવો જ એક વન્ય વિસ્તાર ભુજની ઉત્તર દિશા તરફ પણ પ્રાકૃતિક સૌંદર્યથી શોભી રહ્યો છે. સાડા ત્રણ દાયકા પહેલાં જે માર્ગથી પાંચ-સદીથી વધુ પુરાણ પ્રસિદ્ધ મકનપર સ્થિત ધોંસા મહાદેવ મંદિર તરીકે જાણીતા સ્થાનકે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા શિવભક્તો પગપાળા-સાઈકલ અને બળદ-ઘોડાગાડી મારફતે દર્શન કરવા જતા એ આખાય વિસ્તારને હવે નદીબાગ અનામત જંગલ વિસ્તાર તરીકે સરકારી જંગલ ખાતાંએ હસ્તક કર્યા પછી વિકાસ પામેલાં જંગલની એક લટાર ધોંસા મહાદેવ મંદિરના સેવક અને આ માર્ગેથી અગાઉ અનેકો અનેક વખત શિવાલય જતા મોહન પેન્ટર અને શૈલેશ મારાજ સાથે મારી ત્યારે પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળી હતી. સરપટ નાકાંથી શાંતિનગર-ભાટિયાવાડી થઈને જૂની રાજગોરાઈ (સ્મશાન) શ્યામજી કૃષ્ણવર્મા હવાઈમથકની બાજુમાંથી નદીબાગ અનામત વન વિસ્તારમાં પ્રવેશતાંની સાથે ચારે બાજુ ગાંડા બાવળની વનરાઈ જૂનાગઢના ગીરના જંગલની યાદ અપાવે છે. આગળ વધતાં જ ખારી નદીમાંથી વરસાદી પાણી જે રૂદ્રમાતા ડેમમાં જાય છે એ વહેણમાં પાણીની હાજરી ગત વરસે પડેલા ભારે વરસાદના કારણે જોવા મળી. કાચા-ધૂળવાળા રસ્તાની આજુબાજુ અને ચોતરફ ખેર, ગુગળ, કંઢો, જાર સહિતની મીઠી ઝાડી નીલીછમ આંખને ઠંડક આપી રહી છે. જંગલખાતાં દ્વારા નિર્માણાધીન ચેકડેમમાં પુષ્કળ પાણીથી વન્યજીવો પોતાની તૃષ્ણા છીપાવી રહ્યાં હતાં. ચારે બાજુ ઊંચા-ઊંચા ડુંગરો પર વરસાદ થકી લીલાં વૃક્ષો દૃશ્યમાનથી એમ ન લાગે કે આપણે સૂકા અને અનિયમિત વરસાદવાળા જંગલમાં ફરી રહ્યા છીએ. નદીબાગથી ધોંસા મહાદેવના છ એક કિમીના પગપાળા પ્રવાસ દરમિયાન મોરના ટહુકાનો કલરવ આખાય વિસ્તારની શોભા વધારી રહ્યો છે. અહીં ચારસોથી વધુ મોર પક્ષી રહે છે. કોતરોમાંથી અને ઉબડખાબડ રસ્તાઓના કારણે આપણે અમરનાથ યાત્રાની અનુભૂતિનો અહેસાસ થતો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જંગલખાતાં દ્વારા આ વિસ્તારને વધુ વિકસિત કરવા મોટા પાયે વરસાદની ઋતુ અગાઉ મીઠી ઝાડીનું વાવેતર કરાયેલું જોવા મળ્યું હતું, પરંતુ થોડા સમયે પહેલાં પડેલા કરાના કમોસમી વરસાદના કારણે વાવેતર કરાયેલા છોડ મૂરઝાયેલાં જોવા મળ્યા હતા. ચારે બાજુ ડુંગરો વચ્ચે ભાકરશાના ભોયરાં તરીકે ઓળખાતું ઐતિહાસિક સ્થળ પગપાળા પ્રવાસમાં દૃષ્ટિગોચર થાય છે. ચાડવા રખાલ, પાલરધૂના વિ. સ્થળની જેમ આ રખાલ પણ પ્રકૃતિપ્રેમીઓ માટે એક સંભારણું બની શકે તેમ છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer