નર્મદા મુદ્દે કચ્છની લડત હવે નિર્ણાયક તબક્કે જશે

નર્મદા મુદ્દે કચ્છની લડત હવે નિર્ણાયક તબક્કે જશે
ભુજ તા 18: કચ્છને તેના ભાગનું અને વધારાની ફાળવણી રૂપે મળેલું નર્મદા નીર ઝડપભેર મળે તે માટે લડતને નિર્ણાયક તબક્કે લઈ જવા અંગે ભુજ ખાતે મળેલી બેઠકમાં મહત્ત્વનો ચર્ચા વિમર્શ કરી રણનીતિ ઘડવામાં આવી હતી. જે અંતર્ગત આગામી અઠવાડિયે ભુજમાં એક બેઠક યોજી બે મહત્ત્વના ઠરાવ પસાર કરી સરકારને મોકલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘના કાર્યાલય ખાતે કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિની એક બેઠક માવજી જાંટિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. સમિતિના સભ્ય એવા અશોક મહેતાએ જણાવ્યું કે, 1979માં જળપંચના ચુકાદા બાદ 27 વર્ષ પછી 2006ની સાલમાં 3પ2 કિલોમીટરની કચ્છ બ્રાન્ચ કેનાલના કામો શરૂ થયાં, પણ 15 વર્ષ વિતી ગયા બાદ લગભગ 12પ કિલોમીટરથી વધુના કેનાલના કામો બાકી બોલે છે અને સબબ્રાન્ચ, બ્રાન્ચ, માઈનોર કેનાલના કામના મંડાણ થવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે આ મુદે આગામી અઠવાડિયે ભુજ ખાતે એક બેઠકનું આયોજન કરી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અન્ય સામાજિક તેમજ વ્યાપારિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવી આ લડતમાં તેમનું સમર્થન માંગવા સાથે 2020ના અંત સુધી મોડકુબા સુધી નર્મદા નીર પહોંચે અને આવનારાં રાજ્ય સરકારના અંદાજપત્રમાં આ માટે કુલ બજેટની પ0 ટકા રકમ ફાળવાય તે માટે સરકાર પર દબાણ લાવતો ઠરાવ પસાર કરવામાં આવશે. ગ્રાન્ટ ફાળવણી બાદ આ વર્ષના અંત સુધી કચ્છની મેઈન બ્રાન્ચ કેનાલના કામો પૂર્ણતાના આરે પહોંચવા સાથે 2022ના અંત સુધી કચ્છના ખેતરો સુધી નર્મદા નીર પહોંચે તે પ્રકારનું કાર્ય તે માટે જરૂર પડયે રાજ્યસ્તરે આ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ રજૂઆત કરવા જશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. માવજી જાંટિયા, શિવજી બરાડિયા, હંસરાજ પ્રેમજી પટેલ, અશ્વિન ઝીઝુંવાડિયા સહિતે ચર્ચામાં ભાગ લેતાં કહયું કે, જળપંચ ફરી એઁકવાર 2024માં બેસવાનું છે. ત્યારે જો વેળાસર કામગીરી નહિ કરાય તો કચ્છને તેના હિસ્સાનું પાણી ગુમાવવાનો વારો આવશે તેવી ભીતિ વ્યકત કરી હતી. બેઠકમાં સમિતિના સભ્યો, તાલુકા પ્રતિનિધિઓ સહિતે ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. બેઠકનું સંચાલન વિરમ આહીરે કર્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer