મોટા કરોડિયામાં પત્નીની પતિ દ્વારા હત્યા

ભુજ, તા. 18 : અબડાસાના મોટા કરોડિયા ગામે ચારિત્ર્ય બાબતની શંકાના અનુસંધાને 24 વર્ષની વયની પરિણીત યુવતી વીરબાઇની તેના પતિ હરજી રામ ગઢવીએ ગળેટૂંપો દઇને હત્યા કરી હોવાનું બહાર આવતાં સનસનાટી મચી ગઇ છે. પહેલા આત્મહત્યા તરીકે નોંધાયેલા આ કેસમાં ખૂનના ઘટસ્ફોટથી નવો વળાંક આવ્યો હતો. કોઠારા પોલીસે આપેલી માહિતી મુજબ મરનાર વીરબાઇએ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું આજે સવારે પોલીસ સમક્ષ જાહેર કરાયું હતું. આ પછી પોલીસને પ્રાથમિક તપાસમાં શંકાઓ ઉદ્ભવતા હાથ ધરાયેલી સર્વગ્રાહી છાનબીનમાં કેસ હત્યાનો હોવાનું સપાટીએ આવ્યું હતું. આ લખાય છે ત્યારે રાત્રે પત્ની વીરબાઇની હત્યા બદલ તેના પતિ હરજી રામ ગઢવી સામે ખૂનનો વિધિવત ગુનો દાખલ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. આરોપી પણ કાયદાના રક્ષકોના હાથવેંતમાં હોવાનું અને હજુ સુધી સત્તાવાર તેની ધરપકડ બતાવાઇ ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ચારિત્ર્ય બાબતની શંકાને લઇને વીરબાઇને ગળેટૂંપો આપીને તેના પતિ હરજીએ ગતરાત્રે હત્યા કરી નાખી હતી અને બાદમાં આજે સવારે વીરબાઇએ આત્મહત્યા કર્યાનું જાહેર કરાતાં પહેલાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો. આ પછી સમગ્ર પ્રકરણમાં નવો અને ગંભીર વળાંક આવ્યો હતો. કોઠારાના સબ ઇન્સ્પેકટર શ્રી જાડેજાએ તપાસ હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer