મેઘપર (બો)માં બંધ ઘરને નિશાન બનાવી 1.20 લાખની મતાની તસ્કરી

ગાંધીધામ,તા. 18 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં બંધ રહેણાક મકાનને તસ્કરોએ નિશાન બનાવી દાગીના અને રોકડ રકમ સહિત રૂ. 1.19 લાખની મતાની હાથ સફાઈ કરી હતી. જ્યારે દુધઈના ગામમાં વાડીઓમાં ત્રાટકેલા તસ્કરો કેબલ અને મોબાઈલ ફોન તફડાવી ગયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મેઘપર બોરીચીની ગાયત્રીનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ આજે ગત રાત્રિથી આજે સવારના અરસામાં કોઈ પણ સમયે બન્યો હતો. બંધ મકાનના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. લોખંડના કબાટના તાળાં તોડી ટ્રોલી બેગમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂા. 20 હજાર સહિતની મતા ઉસેડી ફરાર થઈ ગયા હતા. ફરિયાદી ઓમપ્રકાશ પુરણમલ રાજપૂત તેના સાસુ સસરાની તબિયત બરાબર ન હોવાથી ગત તા. 12ના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. અમદાવાદથી આજે સવારે પરત આવતા ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જણાયો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુધઈની વાડી વિસ્તારમાં તસ્કરીનો બનાવ ગત રાત્રિથી આજે સવારના અરસામાં કોઈ પણ સમયે બન્યો હતો. તસ્કરોએ રાત વચ્ચે ત્રાટકીને ફરિયાદી ધનાભાઈ ડાંગરની વાડીમાંથી 70 ફૂટ કેબલ, જેસાભાઈની વાડીમાંથી 30 ફૂટ, મૂળજીભાઈની વાડીમાંથી 70 ફૂટ અને વાડીમાં રહેતા કલ્યાણભાઈનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન તફડાવી ગયા હતા. ચોરાઉ મુદામાલની કિંમત રૂ. 15,300 આંકવામાં આવી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer