બહેનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવી સ્વાવલંબી-સ્વનિર્ભર બનાવવા પ્રયાસ

બહેનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવી  સ્વાવલંબી-સ્વનિર્ભર બનાવવા પ્રયાસ
ભુજ, તા. 18 : મહિલાઓ પણ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી પોતાનામાં રહેલા કૌશલ્યને ઉજાગર કરી શકે તેવા ઉમદા ઉદેશથી ઉમ્મીદ ગ્રુપ દ્વારા `એક નઈ સોચ'ના વિચારને મૂર્તિમંત કરવાના ભાગરૂપે એક દિવસીય મહિલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામીના શુભાશીર્વાદ સાથે ભાનુશાલીનગર સ્થિત સ્વામીનારાયણ મંદિર પાસેના ખાનગી પ્લોટમાં આયોજિત મહિલા સશક્તિકરણ મેળામાં 2પ જેટલા સ્ટોલોમાં બહેનો દ્વારા વિવિધ પ્રકારની સ્વયં ઉત્પાદિત તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ કરી પોતાનામાં રહેલા વ્યાપાર કૌશલ્યને ઉજાગર કર્યા હતા. ઉમ્મીદ ગ્રુપના મુખ્ય સંચાલિકા અના મેમણ, જાનકી મોર્ય, સહ સંચાલિકાઓ નિકીતા અંજારિયા, વિશાખાબેન પંડયા અને કિરણબેન રાઠોડના આયોજનમાં ઘરમાં રહી વિવિધ પ્રકારની વસ્તુ ઉત્પાદિત કરતી બહેનો અન્ય બહેનો સાથે મળી સાહસિકતા કેળવી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકે અને સ્વાવલંબી બની સ્વનિર્ભર બને તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે દાંતના ફ્રી તપાસણી કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ નઈ સોચના અભિગમને ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ શુભકામના પાઠવી હતી. મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, સામાજિક કાર્યકર જયવીરસિંહ જાડેજા, પ્રાણલાલભાઈ ઠક્કર, નીતાબેન ઠક્કર સહિતના મહાનુભાવો ઉપરાંત ત્રણ હજારથી વધુ લોકોએ મેળામાં મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં જુદાજુદા દાતાઓ તરફથી સહયોગ મળ્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer