સ્વામીજીના પુસ્તકો વાંચી પ્રેરણા લેવા કરાયો અનુરોધ

સ્વામીજીના પુસ્તકો વાંચી  પ્રેરણા લેવા કરાયો અનુરોધ
અંજાર, તા. 18 : રામકૃષ્ણ આશ્રમ રાજકોટ પ્રેરિત રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજાર તરફથી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી યુવા દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતર તથા વ્યક્તિત્વ વિકાસ થાય તે માટે પ્રાથમિક કક્ષા ધોરણે 5થી 8માં `મને ગમતા સ્વામીજીના જીવનના પ્રેરક પ્રસંગો' વિષય પર નગર પ્રાથમિક શાળા નં. 4માં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતાં 14 શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા મહેમાનોના હસ્તે કરવામાં આવી હતી. શાળાના આચાર્ય વિમલભાઈ ઠક્કરે મહેમાનો, અન્ય શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ સ્વામીજીના જીવનના પ્રસંગો રજૂ કર્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિશોરભાઈ ખટાઉ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વક્તવ્ય આપ્યું હતું. સ્વામી વિવેકાનંદ અંજાર ભાવધારા કેન્દ્રના ટ્રસ્ટી મગનભાઈ કન્નડે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સંસ્થાના પ્રમુખ નયનાબેન ભટ્ટે વિદ્યાર્થીના જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ અંગેની માહિતી આપી અને સ્વામીજીના પુસ્તકો વાંચી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદમાં શાળાનો વિદ્યાર્થી બાગેલ શનિ રાજુભાઈને ચેરમેન દ્વારા સન્માનિત કરાયો હતો. બૃહદ સંસ્કૃત પરીક્ષા વિશે માહિતી કલ્પનાબેન મહેતાએ આપી હતી. તાલુકાકક્ષાના કલા ઉત્સવમાં તાલુકાકક્ષાએ શાળા નં. 4ની ધો. 8ની વિદ્યાર્થિનીને કાવ્ય લેખન સ્પર્ધામાં દ્વિતીય નંબર આવતાં ઉપચેરમેન તેજસભાઈ મહેતાના હસ્તે તથા સંસ્થા તરફથી વિશેષ સન્માનિત કરવામાં આવી હતી. દાતા મહેશભાઈ દોશી દ્વારા ધોરણ 1 અને ધોરણ 2ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કિંજલબેન પટેલે કર્યું હતું. આભારવિધિ સુરેશ છાયાએ કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer