જળસંગ્રહ માટે રત્નાગિરિમાં પાટિદારોનો સંકલ્પ

જળસંગ્રહ માટે રત્નાગિરિમાં પાટિદારોનો સંકલ્પ
મુંબઈ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી): રત્નાગિરિ જિલ્લાના રાજાપુર તાલુકાના કડવા પાટીદાર સમાજના ઉપક્રમે રત્નાગિરિમાં યોજાયેલી બેઠકમાં કચ્છમાં જળસંગ્રહની ક્ષમતા વધારવા માટે ડેમના કામ કરાવવા સંકલ્પ કરાયો હતો. રાજાપુર તાલુકા પાટીદાર સનાતન સમાજ, મહિલા મંડળ અને તાલુકા યુવા સંઘના ઉપક્રમે પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો અને એ પછીની બેઠકમાં આગેવાનોએ સંબોધન ર્ક્યું હતું. રત્નાગિરિના વીર સાવરકર હૉલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સનાતન સમાજના છગનભાઈ ધોળુ (વિથોણ)ના પ્રમુખ સ્થાને આ બેઠક યોજાઈ હતી. યુવા સંઘના મહામંત્રી વિશ્રામભાઈ રૂડાણી, પ્રમુખ સુરેશભાઈ ધોળુ હાજર રહ્યા હતા. રત્નાગિરિમાં 15 હજાર કડવા પાટીદારો વસે છે જે બધા ભડલી, પલીવાડ, નાગલપર, કલ્યાણપર, ટોડિયા, નેત્રા, અંગિયા દેવપર, નખત્રાણા વિસ્તારના છે. ત્યાં પાટીદારો સૌથી વધુ અને એ પછી કચ્છી ભાનુશાલી સમાજની મોટી સંખ્યા છે. છગનભાઈ ધોળુએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, પાણીના અભાવે વતન છોડવું પડયું છે. હાલમાં ત્યાં જ વસતા લોકો માટે આવી પરિસ્થિતિ પેદા ન થાય. વતન વધુ સમૃદ્ધ બને એ માટે પાણીની આવશ્યકતા છે. વક્તાઓએ સ્થાનિકોને જાગૃત કરવા અને ડેમના તળ ઊંડા લઈ જવાનાં કામો થાય એ માટે તમામ પ્રયાસો કરવાનો સંકલ્પ ર્ક્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે, પૈસા માટે કોઈ કામ અટકશે નહિ. પાણી બચાવો, કચ્છ બચાવો અભિયાનના કન્વીનર કિશોર ચંદને મુંબઈથી રત્નાગિરિ જઈને ખાસ હાજરી આપી હતી અને જળસંચયની પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer