શાબાશી સાથે સલામ પોલીસ-બાતમીદાર અને કોસ્ટગાર્ડને

તા. 7-1-2020ના રોજ ગુજરાતના અને કચ્છમાં વસવાટ કરતા પ્રત્યેક સંવેદનશીલ અને રાષ્ટ્રવાદમાં માનતી વ્યક્તિનું હૈયું આનંદિત થયું હશે, જ્યારે તેણે કચ્છમાંથી 175 કરોડનું હેરોઈન પકડાયાના ખબર જાણ્યા. એટીએસ પોલીસ-કચ્છ એસઓજી, મરિન પોલીસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત દિલધડક ઓપરેશન શિયાળાની અને તેમાં પણ મધદરિયાઈ ઠંડીમાં પોતાની જાન હથેળી પર લગાવીને પાર પાડયું તે જાણી મનોમન આમાં ભાગ લેનારા પ્રત્યેક રાષ્ટ્ર સમર્પિત જવાનને મનોમન વંદન કર્યાં હશે અને સલામી આપી હશે. મેં તો પ્રત્યક્ષ રીતે જ્યારે સમાચાર જાણ્યા ત્યારે બોર્ડર રેન્જ આઈ.જી. શ્રી ત્રિવેદીને મેસેજ કરી સંબંધિત અધિકારીઓની પીઠ થાબડવા વિનંતી કરેલી. આમ છતાં, આઘાતજનક અને દુ:ખદ બાબત એ છે કે મારા વર્ષોના અનુભવ પ્રમાણે કચ્છમાં જ્યારે આવા મહત્ત્વના રાષ્ટ્રની અખંડિતતા-એકતા-સાર્વભૌમત્વ અને સ્વાભિમાનની સાથોસાથ દેશની આંતરિક અને બાહ્ય સલામતી સાથે સંકળાયેલી બાબત અંગે જોડાયેલા બનાવના સંબંધમાં આવા અધિકારીઓ-કર્મચારીને બિરદાવવા રાજ્યના ગૃહપ્રધાન, હોમ સેક્રેટરી, ડી.જી.પી., સંબંધિત વિભાગના વડા, કચ્છના પ્રભારી મંત્રી, રાજનેતાઓ તાત્કાલિક કચ્છમાં ભૂતકાળમાં આવી બિરદાવતા અને તેમનો હોસલો બિરદાવતા તેવા માહોલના દર્શન આ પ્રસંગે ન થયાં. તેવું તેમણે કર્યું હોય તો આ લખનારની જાણ બહાર છે. કેટલાક પોલીસ ઓફિસરોએ તેમને ચોક્કસ અભિનંદન આપ્યાં હશે જ. પરંતુ આ બાબત અત્યંત દુ:ખદ, વિચારણીય અને ગંભીર છે. આજે દેશના વર્તમાન પ્રશ્નોના સંબંધે પોતાની રીતે રાજકીય હેતુઓ બર કરવા માટે રાષ્ટ્ર અને સમાજનું હિત જોયા વગર દેશમાં જે રીતનો માહોલ વિરોધ પક્ષ કે સત્તા પક્ષ કે અન્ય પરિબળો ઊભો કરી રહ્યા છે એ અતિશય ગંભીર બાબત છે. રાષ્ટ્રમાં સદ્ભાવ, સહિષ્ણુતા, સામાજિક સમરસતાને માટે તો ઠીક, પણ સરવાળે દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા-એકતા અને રાષ્ટ્ર ગૌરવને માટે ખતરારૂપ છે તેવું હું અંગત માનું છું. અન્યો આ બાબતમાં જુદો મત ધરાવતા હોય એ જુદી વાત છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે દિવસે અને દિવસે સંવેદના ગુમાવી રહ્યા છીએ અને સંવેદનશીલતા એ કોઈપણ સંસ્થા-સમાજ-પરિવાર કે રાષ્ટ્રના અસ્તિત્વ, વિકાસ અને ટકી રહેવા માટેનો પાયો છે. કચ્છમાં હાલનું હેરોઈનનું સીઝર થયું તે અગાઉ 2018ના ડિસેમ્બરમાં દેશદ્રોહી પ્રવૃત્તિનું લેન્ડિંગ અને ટ્રાન્ઝિટ પોઈન્ટ કચ્છ થવા જઈ રહ્યું છે ? એવા કંઈક શીર્ષકવાળો તથા 2019માં ઓક્ટોબરમાં દેશદ્રોહી પ્રવૃત્તિ અટકાવવા સતર્કતા એવા એ પ્રકારના શીર્ષકવાળા લેખો ઉપર કચ્છમાં બનેલા નજીકના તથા તે અગાઉ બનેલા દેશદ્રોહી પ્રવૃત્તિના સંદર્ભે વિશ્લેષણ કરી અને કચ્છની અને કચ્છ બહારની કોર્ટોમાં આ લખનારે ચલાવેલા કેસોની તથા અન્ય જાહેર વિગતોના સંબંધમાં અંગત વિશ્લેષણ કરી અને તેની શાહી સુકાય તે અગાઉ મે 2019માં 1000 કરોડનું હેરોઈન `અલમદીના'માંથી કોસ્ટગાર્ડે ડીઆરઆઈના ઈનપુટને આધારે પાર પાડેલાં ઓપરેશનથી પાકિસ્તાની માફિયાઓ પાસેથી મળ્યું. ત્યારબાદ ચાલુ માસની 6ઠ્ઠી જાન્યુઆરીએ 175 કરોડનું મળ્યું. આશ્ચર્ય અને આઘાતજનક બાબત એ છે કે, કચ્છની કોઈ ગુપ્તચર એજન્સી કેન્દ્ર કે રાજ્યની આ વખતે પણ ઊંઘતી ઝડપાઈ. આ સૌને સલામી સાથે શાબાશી ખરેખર બનાવ બન્યા બાદ ગણતરીના કલાકોમાં જ થવી જોઈતી હતી, પણ હજુ પણ સમય છે. 26-1-20ના ભારતીય ગણતંત્રના દિને ભૂલ સુધારવી જોઈએ અને માત્ર આ જ નહીં પણ આવા સંવેદનશીલ પર્દાફાશ જ્યારે જ્યારે થાય ત્યારે રાજ્ય સરકારે તક ચૂકવી ન જોઈએ. ફરી કચ્છ નિવાસીઓ- સૌના આ જાંબાઝેને સલામ.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer