શારીરિક મર્યાદાઓ વચ્ચે જીવન પ્રત્યેનો આશાવાદ અકબંધ

શારીરિક મર્યાદાઓ વચ્ચે જીવન પ્રત્યેનો આશાવાદ અકબંધ
કહે છે, કુદરતની લીલા ન્યારી છે, એક હાથે લીધા બાદ બીજા હાથે આપી પણ દે છે, પરંતુ અહીં તો ઊલટું થયું છે, વાત છે પશ્ચિમ બંગાળમાં જન્મેલા પરંતુ મૂળ કચ્છના ભુજ તાલુકાના કુકમા ગામના વતની ગુર્જર ક્ષત્રિય હિતેશભાઈ હીરાલાલભાઈ પરમારની જેઓ જન્મજાત ચર્મરોગની બીમારી ધરાવે છે, જેઓની જીવનસફર નાનપણથી જ સંઘર્ષમય રહી છે. હિતેશભાઈના પિતા હીરાલાલભાઈએ પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણ પર ક્લાર્ક તરીકે નોકરી કરી નિવૃત્ત થયા બાદ વતનની વાટ પકડી, કુકમા સ્થાયી થયા, જ્યાં તેમની નિવૃત્તિ પછીની મરણમૂડી ઘર ખરીદવામાં ખર્ચાઈ ગઈ. પેન્શન હતું નહીં તેથી પિતાની મદદ માટે ઘર ચલાવવા હિતેશભાઈને બી.કોમ.નો અભ્યાસ વચ્ચેથી છોડી નોકરીએ લાગવું પડયું હતું, જેમાં શરૂઆતમાં કેબલ સંચાલકો પાસે કામ કર્યા બાદ કુરિયર કંપનીમાં જોડાયા જે આજે છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે. એક આંખે જ દેખાતું હોવાથી તેમજ કોઈ પણ જાતનું વ્હીકલ ચલાવતા આવડતું ન હોઈ સવારથી સાંજ સુધી ઘરોઘર, કચેરીઓ, બિલ્ડિંગોમાં પગે જ પાર્સલો, ટપાલો સમયસર પહોંચાડી `કુરિયર મેન' તરીકેની ફરજ બજાવે છે. જો કે, ક્યારેક પાર્સલો-ટપાલ પહોંચાડવામાં મોડું થાય તો અમુક ગ્રાહકોનું સાંભળવું પણ પડે છે. કુદરતે આપેલી જન્મજાત તકલીફના કારણે ઉનાળા દરમ્યાન સામાન્ય માનવીને જેમ ચામડીનું પડ ન હોવાથી ગુલાબી-રતુમડી ચામડી ચરચરી ઊઠે છે, તેમ છતાં હિંમત હાર્યા વિના આ કુરિયર મેન કોઈ પણ ઋતુમાં પોતાની ફરજ બજાવે છે. તેઓએ આ કામને પડકારરૂપ ગણાવી આજની પેઢી આવા કામ માટે તૈયાર થતી ન હોવાનું જણાવ્યું હતું. તેમના પરિવારમાં હાલ માતા અને બહેન છે. જેમની જવાબદારી હિતેશભાઈ પર છે. તેવામાં આજના મોંઘવારીના જમાનામાં ખાનગી કંપનીઓના નીચા પગાર ધોરણો વચ્ચે આટલી ઉંમરે અન્ય કોઈ વિકલ્પ ન હોઈ કામ કરવું પડે છે. જો કે, તેમના પરિવારમાં તેમના ભાઈને પણ આજ પ્રકારનો ચર્મરોગ છે. બપોરે તો ભુજથી કુકમા જમવા જવાનું મોંઘુ પડે તેથી ટિફિન સાથે લઈ આવતા હિતેશભાઈ જણાવે છે કે, કમ સે કમ રાત્રે તો માતા અને બહેન સાથે બેસી ટાઢો રોટલો ખાવાનો આનંદ અનેરો હોય છે. બહુ લાંબા અંતરેથી પેટિયું રળવા માટે આવતા, શ્રમ કરતાં આવા કુરિયર મેન તમારા ઘેર આવે ત્યારે તેની સાથે માનવીયતાસભર વ્યવહાર કરી તેનું મહત્વ જાળવવું જોઇએ, આજની ઓનલાઇન ક્રેઝી પેઢીએ સહિષ્ણુતા દાખવવી જોઇએ. શારીરિક મર્યાદા, આર્થિક સંઘર્ષ જેવા કપરા સમયમાં પણ સામાપૂરે તરવા તત્પર આ યુવાનનો જીવન પ્રત્યેનો આશાવાદ અકબંધ છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer