કે.ડી.સી.સી. કૈભાંડના 26 આરોપી પાંચ દિ રિમાન્ડમાં

ભુજ, તા. 18 : કચ્છ જિલ્લા મઘ્યસ્થ સહકારી બેન્કના કરોડો રૂપિયાના કૈભાંડના મંડળીઓને સંલગ્ન ચકચારી કેસમાં ગઇકાલે એકસાથે ધરપકડ કરાયેલા 26 આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી તેમની પૂછતાછ આરંભાઇ છે. આ છાનબીનમાં મહત્વની વિગતો ધડાકાભેર બહાર આવવાની સંભાવના જોવાઇ રહી છે. કેસની તપાસનીશ એજન્સી રાજય સી.આઇ.ડી. ક્રાઇમની જુદીજુદી દશેક ટુકડીઓમાં સામેલ પચ્ચાસેક અધિકારીઓ અને કર્મચારીઓના કાફલાએ ગાંધીનગર અને અમદાવાદથી કચ્છમાં આવીને ગઇકાલે સબંધિતોને ભનક પડે તે પહેલા એકપછીએક જુદીજુદી આઠ સહકારી મંડળીને સંલગ્ન આ 26 તહોમતદારને ઉઠાવી લેવાનું મહાઓપરેશન હાથ ધર્યું હતું. દરમ્યાન આજે આ તમામ 26 આરોપીને અદાલતમાં ન્યાયાધીશ સમક્ષ રજુ કરાતા તેમના તમામના આગામી તા. 23મીની સાંજ સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. તપાસનીશ એજન્સીને સંલગ્ન સુત્રોએ રિમાન્ડ દરમ્યાનની પૂછતાછમાં આરોપીઓ સાથે ખૂટતી કડિઓ સાથે મહત્વની વિગતો ધડાકાભેર મળવાનો નિર્દશ આપ્યો હતો. તપાસકર્તા ટુકડીઓ ઉચાપત કરાયેલા નાણાં પુન: હસ્તગત કરવાના પ્રયાસ સાથે મંડળીના ઠરાવો અને વિવિધ દસ્તાવેજો તથા પત્રવ્યવહારની નકલો પણ કબજે કરશે. સાથેસાથે પ્રકરણમાં ભૂમિકા ભજવનારા અન્ય માથાઓ વિશે પણ છાનબીન હાથ ધરવામાં આવશે. રિમાન્ડ ઉપર લેવાયેલા 26 આરોપી પૈકી બે જણ જે તે સમયના કે.ડી.સી.સી. બેન્કના શાખા પ્રબંધક તરીકે ફરજ બજાવી ચૂકયા છે. આ સમગ્ર કૈભાંડ તેમના કાર્યકાળ દરમ્યાન આચરવામાં આવેલું છે. જેને લઇને તેમની વિશેષ અને સર્વગ્રાહી પૂછતાછ કરવામાં આવી રહી છે. બીજીબાજુ રિમાન્ડ દરમ્યાન મળનારી વિગતોને લઇને એકબાજુ આરોપીઓનો આંકડો વધવાની સંભાવના પણ નિહાળાઇ રહી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer