ભાનાડા સીમના હત્યાના પ્રયાસ કેસમાં ત્રણ આરોપીને ત્રણ-ત્રણ વર્ષની કેદ

ભુજ, તા. 18 : અબડાસામાં ભાનાડા ગામની સીમમાં જમીનના ઝઘડાના મનદુ:ખમાં તલવાર અને લાકડીઓ સહિતના હથિયારો વડે હુમલો કરીને નોડેવાંઢ (ભાનાડાસીમ) ખાતે રહેતા મૂળ પરપ્રાંતિય ખેડૂત કુલવંતાસિંગ શીખની હત્યાનો પ્રયાસ થવાના કેસમાં ત્રણ પરપ્રાંતિય આરોપીને તકસીરવાન ઠેરવીને તેમને ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારાઇ હતી. આ ચુકાદામાં તહોમતદારોને રૂા. પાંચ-પાંચ હજારનો દંડ પણ ફટકારાયો હતો. અત્રેના ત્રીજા અધિક સેશન્સ જજ એમ.એમ. પટેલ સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. ન્યાયાધીશે 18 સાક્ષી અને 27 દસ્તાવેજી પુરાવા તપાસવા સાથે બંને પક્ષની દલીલો સાંભળી આરોપીઓ સુખવેન્દ્રાસિંગ મનજિતાસિંગ શીખ અને તેના ભાઇ સુરેન્દ્રાસિંગ મનજિતાસિંગ શીખ ઉપરાંત ગરબાજાસિંગ જગરાજાસિંગ શીખને જવાબદાર ઠેરવીને તેમને કેદ અને દંડની સજા ફટકારતો આ ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં સુખવેન્દ્રાસિંગ અને સુરેન્દ્રાસિંગને હત્યાના પ્રયાસ અને ગંભીર ઇજાઓ સાથેના હુમલા માટે તકસીરવાન ઠેરવાયા હતા અને બંનેને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 5000ના દંડની સજા સંભળાવાઇ હતી. તો ભારતીય દંડ સંહિતાની કલમ 447 માટે પણ તેમને જવાબદાર ઠેરવી તે બદલ ત્રણ માસની કેદ અને રૂા. 500ના દંડની સજા કરાઇ હતી. જયારે ગરબાજાસિંગને હત્યાનો પ્રયાસ, ગંભીર ઇજાઓ સાથેના હુમલા માટે ત્રણ વર્ષની કેદ અને રૂા. પાંચ હજારનો દંડ કરાયો હતો. ત્રણેય આરોપી દ્વારા દંડની રકમ ભરપાઇ કરવામાં ન આવે તો તેમને વધુ ત્રણ મહિના સાદી કેદમાં રાખવાનો આદેશ પણ ન્યાયાધીશે કર્યો હતો. આ કેસમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer