ભુજ શહેરમાં 21 ધાર્મિક દબાણ તારવાયા

ભુજ, તા. 17 : શહેરમાં ધાર્મિક દબાણો દૂર કરવા માટે ખાસ કમિટીનું પ્રથમવાર ગઠન કરાયું હતું. આ કમિટીને એકશન રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી, જે અંતર્ગત શહેર અને ગ્રામ્ય સ્તરે મામલતદારના વડપણ હેઠળ ગઠિત આ સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કરી લીધો છે. શહેરી વિસ્તારમાં 21 જેટલા ધાર્મિક દબાણ તારવાયા છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં અકે પણ ધાર્મિક દબાણ ન તારવાયાનું સત્તાવાર રીતે જણાવાયું છે. આગામી થોડા જ સમયમાં અહેવાલના આધારે તારવાયેલા દબાણોને દૂર કરવાનું કાર્ય કરવામાં આવશે. દેશની સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકા અનુસાર જિલ્લા કલેકટરે 18 જેટલા સભ્યોની બે અલગ અલગ ટીમ ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારના ધાર્મિક દબાણોની મોજણીનું કાર્ય હાથ ધર્યું હતું. શહેરી વિસ્તારમાં ધાર્મિક દબાણોની મોજણીનું કાર્ય સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ જ્યારે ગ્રામ્ય વિસ્તારની મોજણીનું કાર્ય તાલુકા મામલતદાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારમાં 21 ધાર્મિક દબાણ નજરે ચડયાનું સિટી સર્વે કચેરીમાંથી જાણવા મળ્યું હતું. તાલુકા વિસ્તારમાં એક પણ દબાણ નજરે ન ચડયાનું ઈન્ચાર્જ તાલુકા મામલતદાર વાય.એ.સુમરાએ જણાવ્યું હતું. આ અહેવાલ કલેકટરને સુપરત કરાયા બાદ ત્યાં આગળથી જે માર્ગદર્શન મળશે તે મુજબ ધાર્મિક દબાણને હટાવવા કે સ્થળાંતરિત કરવાને લઈ આગળની કામગીરી કરવામાં આવશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer