અંજારના ગંગા નાકે ટ્રાફિકની સમસ્યા બસ સ્ટેશન તો ગાયબ જ થઈ ગયું

અંજાર, તા. 18 : શહેરમાં પાયાની સુવિધા આપવામાં સુધરાઈ નિષ્ફળ ગઈ છે તેવો વિપક્ષી નેતાએ આક્ષેપ કરતાં આચરાઈ રહેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી ઉમેર્યું હતું કે, ગંગા નાકે માથાભારે શખ્સોના કારણે બસ સ્ટેશન જ ગાયબ થઈ ગયું છે અને તે જગ્યાએ દબાણો થઈ ગયાં છે. સુધરાઈના વિપક્ષી નેતા અકબરશા હાજી જારૂશા શેખે જણાવ્યું કે, મુખ્ય પ્રવેશદ્વાર કળશ સર્કલ ઉપર અને તેની પાસે રાત્રિના ભાગે કોઈ સ્ટ્રીટ લાઈટ લગાડાઈ નથી, જેને કારણે અકસ્માત તથા ચોરી, લૂંટ જેવા બનાવો પણ બનવા પામે છે. અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા લાઈટો લગાડવામાં આવતી નથી. ગંગા નાકામાં તાલુકાના સતાપર, લાખાપર, બુઢારમોરા, કનૈયાબે, જરૂ વગેરે ગામડાંઓમાં જવા માટે વાહનો મળે છે. અનેક પ્રકારનાં નાનાં-મોટાં દબાણો કરવામાં આવ્યાં છે, જેના કારણે ગંગા નાકા વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય છે. આ વિસ્તારમાં જાહેર શૌચાલયની સુવિધા નથી તેમજ મુખ્ય બજારમાં પણ કોઈ શૌચાલય ઊભું કરાયું નથી. નગરપાલિકા દ્વારા હાલે શહેરમાં અનેક જગ્યાએ શૌચાલયો બનાવાયા છે, પરંતુ તે કામો પણ હજુ અધૂરાં પડયાં છે. અમુક શૌચાલયો હજુ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. શૌચાલયનાં કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાયો છે, તેની તપાસની માંગ કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer