દેશલપર (ગુંતલી)થી હાજીપીર અને હાજીપીર ફાટકથી ઢોરો માર્ગમાં ભ્રષ્ટાચાર

ભુજ, તા. 19 : નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી)થી હાજીપીરના માર્ગના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની દેશલપર (ગુંતલી) ગ્રા.પં. અને જિંજાય ગ્રા.પં. દ્વારા તથા હાજીપીર ફાટકથી ઢોરો સુધીના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની મૂરુ જૂથ ગ્રામ પંચાયતે નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલને ફરિયાદ કરાઈ હતી. દેશલપરના સરપંચ મુસાભાઈ જીએજા અને ઉપસરપંચ પ્રવીણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, દેશલપર (ગુંતલી)થી હાજીપીર 0થી 17 કિ.મી. રસ્તાની પહોળાઈ વધારવાના કામમાં માટી ભળેલી મેટલનો ઉપયોગ થાય છે. જરૂરિયાત કરતા ઓછી વપરાશ છે. આ કામ 30 ટકા નીચું જે એજન્સીને મળ્યું છે તેણે પેટા એજન્સીને કામ આપી દીધું છે. સંબંધિત તંત્રને જણાવતાં કામ કરતા લોકો રાજકીય પીઠબળ ધરાવતા હોવાનું કહ્યું હતું. આજ માર્ગ અંગે જીંજાય સરપંચ હુરબાઈ કોલીએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું કે રોલિંગ નથી થતું, પાણી નથી છંટાતું, જવાબદાર અધિકારી હાજર રહેતા નથી. મુરુના સરપંચ ચતુરસિંહ સોઢાએ રજૂઆતમાં ઉમેર્યું હતું કે પુલિયાના પાયા ઓછા ખોદાયા છે. સિમેન્ટનો ઉપયોગ ઓછો કરાય છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer