સોમવારે ગાંધીનગરમાં પ્રા. શિક્ષકોના ધરણા

ભુજ, તા. 18 : જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા તથા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અન્ય પડતર પ્રશ્નો અંગે અખિલ ભારતીય પ્રા. શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘના આદેશ?અનુસાર લડતના તબક્કાવાર કાર્યક્રમ મુજબ હવે 20 જાન્યુઆરીના ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાશે. જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો ઉમટી પડશે. આ બાબતે કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ ગોયલ તથા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર જૂની પેન્શન યોજના પુન: ચાલુ કરવા, સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી સહિતના રાષ્ટ્રીય કક્ષાના પાંચ પ્રશ્નો તેમજ ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી. પરીક્ષા પાસ કર્યા બાદ મળવાપાત્ર તારીખથી આપવા સાથે સી.સી.સી. પરીક્ષાની મુદ્દત વધારવા અને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણમાં રૂા. 4200 ગ્રેડ?પે આપવા એ બે રાજ્યકક્ષાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લડતનો તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તાલુકા તથા જિલ્લામથકે ધરણાં યોજ્યા બાદ સોમવારે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો સવારે 11થી 4 વાગ્યા સુધી ધરણા યોજી માગણીઓ બુલંદ બનાવશે. કચ્છમાંથી પણ અંદાજે 150 જેટલા પ્રા. શિક્ષકો ધરણામાં જોડાનાર છે. પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા વિગેરે સરકારને માગણીઓ સાથેનું આવેદનપત્ર આપશે. રાજ્યકક્ષાના ધરણા યોજ્યા બાદ પણ પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો આગામી 27મી ફેબ્રુઆરીના દિલ્હીના જંતરમંતર મેદાન ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer