લ્યો કરો વાત... ડિટેઇન કરાયેલી બાઇકની પોલીસ મથકથી તસ્કરી

ભુજ, તા. 18 : ટ્રાફિકને સંલગ્ન કેસમાં પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલી બાઇકની અત્રેના ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકેથી ચોરી થતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે અને તેને લઇને અનેક સવાલો પણ ઊભા થયા છે. બહાર આવેલી વિગતો અનુસાર હીરો હોન્ડા કંપનીની જી.જે.12 એ.કયુ.-7190 નંબરની બાઇક આઇ.પી.સી. 207 મુજબ વિધિવત રીતે ડિટેઇન કરવામાં આવી હતી. આ વાહન એ. ડિવિઝન પોલીસ મથકના પ્રાંગણમાં રખાયું હતું. જ્યાંથી તા. 11/1થી તા. 17/1 દરમ્યાન તેની ચોરી થઇ હતી તેવું પોલીસ મથકના સહાયક ફોજદાર ભગવતીબેન લીંબાચિયાએ ફરિયાદમાં લખાવ્યું છે. ફોજદાર કે.એચ.બારિયાએ કેસની તપાસ હાથ ધરી છે. દરમ્યાન પોલીસ મથકના ચોગાનમાંથી ડિટેઇન કરવામાં આવેલી બાઇકની ચોરીના આ મામલાએ ચકચાર જગાવવા સાથે અનેક સવાલો ઊભા કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં આવો જ એક અન્ય કિસ્સો પણ ચકચારી બન્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer