વાગડમાં પ્રદૂષણ, ટ્રાફિક, ઓવરલોડ પ્રશ્ને પસ્તાળ

ભુજ, તા. 18 : લાકડિયા પાસેની સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ ફેક્ટરી ચાલુ હોય ત્યારે એકદમ તીવ્ર દુર્ગંધ આવે છે, આસપાસ વસતા ગામોમાં ફેલાતી દુર્ગંધથી પડતી તકલીફના કાયમી ઉકેલ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા સહિત માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ કાર્યવાહી થવા સંકલન બેઠકમાં ફરી રજૂઆત કરી હતી. કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષપદે આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણાસિંહ સોઢાએ વધુમાં ભચાઉ હાઇવે પર નવાગામ-ચાંદરાણીવાળો પુલ રેલિંગના અભાવે ચાલુ કરાતો ન હોવા સાથે રાપર સી.એચ.સી. બહાર આડેધડ ટ્રાફિકની સમસ્યા, રાપર-ચિત્રોડ ઉપર દરરોજ ઓવરલોડ ટ્રકો સામે પગલાં ભરવા પણ તંત્રને જણાવ્યું હતું. માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ ભવાનીપુર-આમરડી પાસે નર્મદા કેનાલના ઓવરબ્રિજ ખાતે રેલિંગના અભાવે અકસ્માતો થતાં હોવાની પણ તંત્રને રજૂઆત કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ એટીવીટીના સૂચવાયેલા કામોમાં તાલુકા પંચાયત દ્વારા ફેરફાર કરાતાં હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત કોઠારાવાળા રોડમાં ગત ચોમાસે પાણી ભરાયાં હતા તેમ જણાવી ગામનો રસ્તો બંધ ન થાય તે માટે જરૂરી હોય તેવાં રસ્તાઓનાં કામો થવા પર ભાર મૂકયો હતો અને સ્થાનિક ઉદ્યોગો દ્વારા કરાતાં ઓવરલોડિંગ અને આર.ટી.ઓ.દ્વારા ટ્રેકટર ટ્રોલી વગેરેની મંજૂરીને લગતા પૂરક પ્રશ્ને ધ્યાન દોર્યા હતા. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ નખત્રાણાથી ભુજ હાઇવેના કામમાં દેશલપરથી ભુજ સુધીનું કામ કયા કારણોસર બંધ છે, તેની વિગતો જાણવા માંગી હતી અને પરિણામે અકસ્માતો થતા હોવાનું ઉમેર્યું હતું. જીએસઆરડીના અધિકારી શ્રી મકવાણા દ્વારા તે કામ એક માસમાં પૂર્ણ થશે, તેવી વિગતો આપવામાં આવી હતી. કલેકટરે સંકલન બેઠકમાં અધિકારીઓને પૂરતી તૈયારી અને માહિતી સાથે આવવાનો નિર્દેશ આપી ઓવરલોડ પરિવહન ઉપર અંકુશ રાખવા જરૂર જણાયે અચાનક ચેકિંગ કામગીરી હાથ ધરવા, હવા-પાણીના પ્રદૂષણ ઉપર કાર્યવાહી કરવા અને અધૂરાં કામોમાં ઝડપ લાવવા સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યો હતો. બીજા તબક્કાની અધિકારીઓની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી દ્વારા આગામી 30 જાન્યુ અને 1 અને ર ફેબ્રુઆરી દરમિયાન થનાર પોષણ અભિયાનના કાર્યક્રમ સંબંધે પ્રકાશ પાડી સંબંધિત વિભાગોને કામગીરીની સૂચના આપી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયાએ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભુજમાં 209 કેમેરા ચાલુ થઇ ગયા હોવાનું જણાવી અઠવાડિયામાં ઈ-મેમો અપાશે તેમ જણાવ્યું હતું. પૂર્વ કચ્છના એસ.પી. પરીક્ષિતા રાઠોડે છ મહિનાથી ઇ-મેમોની કામગીરી ચાલુ હોવાનું જણાવી, પૂર્વ કચ્છમાં એસ.પી.ના બંગલા માટેની જમીન પ્રશ્ને ત્વરિત કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે અધિક કલેક્ટર કુલદીપાસિંહ ઝાલાએ સીએમ ઓનલાઇન કાર્યક્રમ, સરકારી વસૂલાત, પેન્શન કેસો, તકેદારી આયોગના પ્રશ્નો બાબતે અધિકારીઓને સમયસર ફોલોઅપ આપવા અનુરોધ કર્યો હતો. ઇન્ટર ડિપાર્ટમેન્ટલ પ્રશ્નોની રજૂઆત કરતાં પીજીવીસીએલના અધીક્ષક ઈજનેર અમૃતભાઈ ગુરવાએ નગરપાલિકાઓના સ્ટ્રીટલાઇટના અને પાણી પુરવઠાનાં વીજબિલના રૂ. 121 કરોડ લેતાં બાકી હોવાનું જણાવી વેળાસર લેણાંની ભરપાઇ થવા જણાવ્યું હતું. આરટીઓ દ્વારા ગેટ અને કમ્પાઉન્ડ વોલની મરામત અંગેની રજૂઆત કરાઇ હતી. ડીવાયએસપી શ્રી પંચાલે માંડવી ખાતે નવી બોટ ચાલુ થવાનું જણાવી તેનાં રજિસ્ટ્રેશન, ચકાસણી અને એન.ઓ.સી.ની કામગીરી થવા રજૂઆત કરાઇ હતી. આ બેઠકમાં સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ભુજ પ્રાંત અને આસિ. કલેક્ટર મનીષ ગુરવાણી, નખત્રાણા પ્રાંત અધિકારી ગાવિંદાસિંહ રાઠોડ, ભચાઉ પ્રાંત પી.એ. જાડેજા, અબડાસા પ્રાંત ડી.એ. ઝાલા, મુંદરા પ્રાંત કે.જી. ચૌધરી, સીડીએચઓ ડો. કન્નર, સમાજ કલ્યાણ અધિકારી જે.એસ. બારોટ, સિંચાઇ વિભાગના શ્રી સોનકેસરિયા, વન વિભાગના સાદીક મુજાવર અને શ્રી વિહોલ, માર્ગ-મકાન વિભાગના જે.એમ. સોલંકી, ડીપીઇઓ સંજય પરમાર, આંકડા અધિકારી રવિરાજાસિંહ ઝાલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer