મસ્કાના ખૂનકેસની ફરિયાદ પરત ખેંચાવવા ફરી હુમલા સાથે ધાકધમકી

ભુજ, તા. 18 : માંડવી તાલુકાના મસ્કા ગામે એન્કરવાલા હોસ્પિટલની સામે આવેલા ખાનગી સર્વિસ સ્ટેશન ખાતે ખાટલા ઉપર બેઠેલા માંડવીના આશિષ જોશી ઉપર ગોળીબાર કરીને તેની હત્યા થવાના મામલાની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આશિષના ભાઇ મનોજ ચન્દ્રકાંત જોશી (ઉ.વ. 35) ઉપર ધોકા વડે હુમલો કરીને બે અજાણ્યા શખ્સ દ્વારા ફરીથી તેને ધાકધમકી કરાયાનો મામલો બહાર આવ્યો છે. મુળ મસ્કા ગામના વતની અને હાલે મુંદરા ખાતે રહેતા અને ઉમિયાનગર વિસ્તાર પાસે પાઉંભાજીની લારી ચલાવતા મનોજ જોશી અને તેમની ત્રણ વર્ષની વયની પુત્રી હેન્સી આજે સવારે તેમના એક્ટિવા સ્કુટરથી ગુંદાલા સીમમાં ચેતન હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયાં હતાં. જ્યાંથી પરત ફરતી વેળાએ મંદિરથી થોડે દૂર કાચા રસ્તે તેમની સાથે આ ઘટના બની હતી. આ બાબતે લખાવાયેલી ફરિયાદને ટાંકીને મુંદરા મરિન પોલીસ મથકના સાધનોએ જણાવ્યું હતું કે, કાળા રંગની નંબરપ્લેટ વગરની બજાજ પલ્સર બાઇક ઉપર આવેલા મોઢા ઉપર રૂમાલ બાંધેલા અને માથે ટોપી પહેરેલા બે અજ્ઞાત શખ્સ પૈકી પાછળ બેઠેલા શખ્સે ધોકા વડે મનોજના ઘુંટણ ઉપર પ્રહાર કર્યો હતો અને હિન્દી ભાષામાં તારા ભાઇવાળી ફરિયાદ ખેંચી લેવા માટે ધાકધમકી કરી હતી. અજ્ઞાત આરોપીઓએ ધાકધમકી સાથે બાકી રહેતો હિસાબ મળી જવાની વાત પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મસ્કામાં આશિષ જોશીની ફિલ્મીઢબે હત્યા થવાનો મામલો હજુ વણઉકેલ હાલતમાં છે. આ મામલે થયેલી ફરિયાદ પરત ખેંચી લેવા મનોજને અગાઉ પણ ધમકી અપાઇ હતી. હુમલા સાથેનો ધમકીનો આ બીજો બનાવ બની રહયો છે. મુંદરા મરિન પોલીસે બંને હિન્દીભાષી અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer