આઠ મહિના વિત્યા, શિષ્યવૃત્તિ ન મળી !

રાપર, તા. 18 : ગરીબ વંચિત વર્ગના બાળકો માટે સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિ એક બહોળા વર્ગ માટે પ્રાણવાયુ જેવું કામ કરે છે અને એ જરૂરતમંદ માટે આશીર્વાદ રૂપ છે. પરંતુ માર્ચ મહિનો બારણે ટકોરા મારી રહ્યો હોવા છતાં રાપર તાલુકાના કેટલાય અનુસૂચિત જાતિના ભૂલકાઓની શિષ્યવૃત્તિ હજુ મળી નથી. ઓશિયાળા મોઢે બેન્કમાં જઇ ખાતું જોવડાવે તો કહી દેવામાં આવે કે હજુ પૈસા આવ્યા નથી. ખાસ અનુસૂચિત જાતિના પ્રાથમિક શાળાના ભૂલકાઓની શિષ્યવૃત્તિ હજુ જમા ન થઈ હોવાનું વાલીઓ જણાવે છે. સરકારની આ યોજના એકદમ પારદર્શક છે. જે તે શાળા દ્વારા શિષ્યવૃત્તિ પોર્ટલ વડે બાળકોની દરખાસ્ત થાય, એ દરખાસ્ત મંજૂર થઈ પૈસા સીધેસીધા જે તે છાત્ર અથવા તેના માતા પિતાના ખાતામાં એ રકમ જમા થાય અને બેન્કમાંથી સીધી રકમ જે તે વાલી ઉપાડી શકે. આ વર્ષે હજુ આ રકમ ન મળતાં કેટલાક જાગૃત લોકોએ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાનું ધ્યાન દોર્યું છે તો સ્થાનિક આગેવાનોને પણ વિનંતી કરી છે. ખૂબ ઉમદા ઉદ્દેશ્ય સાથેની સરકારની આ યોજનાનો લાભ સત્વરે ન મળે તે એનો મૂળ ઉદ્દેશ્ય માર્યો જતો હોવાનું તેઓએ જણાવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ સાવ નજીક છે તે દિવસે શાળાઓમાં વાલી મિલન પણ હોય છે, જે તે સ્થાનિક આગેવાનો પણ હોય તો વાલીઓને લોકોને આ બાબતે શું જવાબ આપવો એ આગેવાનો માટે સમસ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આટલા વિલંબ માટે કોણ જવાબદાર છે તે તપાસ થવી જોઇએ. ઓગસ્ટના અંત સુધી લગભગ શાળાઓ દરખાસ્ત મોકલી આપે છે અને એવા પરિપત્રો પણ થાય છે. પરંતુ કોઈ અગમ્ય કારણોસર આ સરકારી સહાય સમયસર નથી મળતી એ હકીકત હોવાનું જાગૃત વાલીઓએ અહીં જણાવ્યુ હતું .

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer