સમાજ કલ્યાણ કચેરીમાં કલાર્ક સંવર્ગની તમામ જગ્યા વણપુરાયેલી

ભુજ, તા. 17 : શહેરના બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ શાખા વિકસતી જાતિ કચેરી સ્ટાફ ઘટની પીડાથી પીડાઈ રહી છે. હાલત તો એવી કફોડી બનેલી દેખાઈ રહી છે કે, વહીવટી સંવર્ગની એક પણ જગ્યા ભરાયેલી નથી અને તાલુકા મથકો પર ફરજ બજાવતા કર્મચારીઓને જિલ્લા મથકે કામગીરી કરાવવા માટે બોલાવવા પડતા હોવાથી તાલુકા સ્તરની કામગીરીને પણ વિપરીત અસર થતી દેખાઈ રહી છે. એકતરફ સરકાર નિતનવી યોજનાઓ બહાર પાડી મહત્તમ લાભાર્થીઓને તેનો લાભ મળે તે પ્રકારનું કાર્ય કરવા તાકીદ કરવામાં આવતી હોય છે. પણ આ કાર્ય જે વિભાગ હસ્તક થવાનું હોય તેમાં પૂરતો સ્ટાફ જ ન ભરાયેલો હોતાં કામગીરીનો લક્ષ્યાંક કઈ રીતે પાર પાડી શકાય તે સવાલ અત્યંત પેચીદો બનતો જોવા મળી રહ્યો છે. સમાજ કલ્યાણ વિકસતી જાતિ વિભાગના વર્તમાન મહેકમ માળખાની વાત કરીએ તો સમાજ કલ્યાણ અધિકારી ઉપરાંત એક માત્ર ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની જગ્યા હાલમાં ભરાયેલી છે. તે સિવાય કચેરીમાં મંજૂર થયેલી પાંચ કલાર્કની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. વહીવટી સંવર્ગની અતિ મહત્ત્વની કલાર્કની જગ્યા વણપુરાયેલી હોતાં યોજનાકીય અમલવારી કરવા સહિતની કામગીરીને પાટે ચડાવવા માટે તાલુકા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પોતાની મૂળ કામગીરી કરવા સાથે તાલુકા નહીં પણ જિલ્લા કચેરીએ બેસી આ વધારાનું કાર્ય કરવાની ફરજ પડી રહી છે. સમાજ કલ્યાણ અધિકારી શ્રી બારોટે આ બાબતને સમર્થન આપતાં કહ્યું કે, હા, સ્ટાફ ઘટના કારણે અમને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે. વળી, આઉટસોર્સિંગથી જગ્યા ભરવામાં વહીવટી સહિતની અન્ય અડચણો આવતી હોવાથી સમસ્યા બેવડાતી હોવાનો સ્વીકાર કર્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer