કચ્છમાં 143 વર્ગ એવા છે જેમાં શાળાએ ન જવા છતાં બાળકો ભણે છે

ભુજ, તા. 16 : રખડતા-ભટકતા કે અન્ય કોઇ કારણોસર શિક્ષણથી વંચિત શાળા બહારના બાળકોને પાયાનું ભણતર ભણાવા સર્વ શિક્ષા અભિયાન કચ્છ દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ જિલ્લામાં 143 વર્ગો ચાલી રહ્યા છે. આવા બાળકોને માટે તેમની નજીકની શાળાના આચાર્ય દ્વારા ગામના વતની `બાળમિત્ર'ની નિમણૂક કરાય છે. બાળમિત્ર તરીકે મહિનાના ચાર હજાર માનદ વેતન અપાય છે. જો તે સ્નાતક હોય તો આઠ હજાર અપાય. પાંચથી વધુ બાળકો હોય તો વર્ગ મંજૂર કરાય. તેમાં ત્રણ મહિના, નવ મહિના અને એક વર્ષ એમ અલગ અલગ વર્ગ ચલાવાય. ત્યારબાદ પરીક્ષા લેવાય તે જે ધોરણમાં ભણવાને લાયક હોય તે વર્ગમાં દાખલ કરાય તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમારે જણાવ્યું હતું. દસે બ્લોકમાં આ વર્ગો ચાલે છે. સૌથી વધુ 34 વર્ગ ભુજમાં છે, જેમાં 516 પૈકી કુમાર 236 અને કન્યા 280 લાભ લે છે. અંજારમાં 28 વર્ગમાં 388 પૈકી છોકરા 185 અને છોકરી 203 છે. ગાંધીધામના 18 વર્ગમાં 269 પૈકી 124 છોકરા અને 145 છોકરી, માંડવીના 12 વર્ગમાં 128 પૈકી 62 કુમાર અને 66 કન્યા, લખપતના વર્ગમાં કુલ્લ 152માં છોકરી 86 તો છોકરા 66 છે. રાપરમાં 109 બાળકો 11 વર્ગમાં ભણે છે તે પૈકી કુમાર 46, કન્યા 63, મુંદરાના 9 વર્ગમાં 135 છાત્રો શિક્ષણ લે છે જેમાં 73 અને 62ની સંખ્યા છે. નખત્રાણાના નવમાં 114 છાત્રો પૈકી 56 છોકરા અને 58 છોકરી છે. અબડાસા 6 વર્ગનો 18 કુમાર અને 31 કન્યા મળી 49 બાળકો લાભ છે. સૌથી ઓછા પાંચ વર્ગ ભચાઉમાં છે, જ્યાં બાળકોની સંખ્યા પણ સૌથી ઓછી 43 છે જેમાં 21 કુમાર અને 22 કન્યા છે. દરમ્યાન લોકસેવા સમિતિના હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે કોઇ શાળામાં ભણતા ન હોય તેવા 15 બાળકો માટે વર્ગ મંજૂર કરવાની માંગ તંત્ર મંજૂર કરતું નથી. આ બાબતે પ્રા. શિક્ષણાધિકારી શ્રી પરમારને પૂછતાં તેમણે કહ્યું કે, આઠ બાળકો માટે વર્ગની મંજૂરી આપી દીધી છે. બીજા બાળકો અંગે ખરાઇ કરતાં તે શાળામાં ભણતા હોવાથી બે જગ્યાએ પ્રવેશ ન અપાય.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer