આજે મજબૂત ઓસી સામે ભારતની કસોટી

આજે મજબૂત ઓસી સામે ભારતની કસોટી
મુંબઇ, તા. 13 : ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલ મંગળવારથી મજબૂત ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ અહીંના વાનખેડે સ્ટેડિયમ પર કરશે. ત્યારે ટીમ ઇન્ડિયા સામે એ દુવિધા રહેશે કે રોહિત શર્માના સાથીદાર તરીકે ઓપનિંગમાં ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલ અને શિખર ધવનમાંથી કોની પસંદગી કરવી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ દ્વિપક્ષી સિરીઝમાં રોહિત શર્મા વિરુદ્ધ ડેવિડ વોર્નર અને વિરાટ કોહલી વિરુદ્ધ સ્ટિવન સ્મિથની પણ ટક્કર જોવા મળશે. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને નવદીપ સૈનીની હાજરી ધરાવતું ભારતનું મજબૂત ઝડપી બોલિંગ આક્રમણ ઓસ્ટ્રેલિયાના બેટધરોની પરીક્ષા લેવા તૈયાર છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પાસે આઇપીએલના સૌથી મોંઘા વિદેશી ખેલાડી પેટ કમિન્સ, કેન રિચર્ડસન અને અનુભવી મિશેલ સ્ટાર્ક જેવા ખતરનાક ફાસ્ટ બોલર છે જે કોહલીની ટીમને ભીંસમાં લઇ શકે છે. એલેકસ કેરીની આક્રમક બેટિંગ અને શાનદાર વિકેટકીપિંગને ભારતના રિષભ પંત તરફથી ચુનોતી મળી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં પાછલા એક વર્ષમાં શાનદાર છાપ છોડનાર ઓસ્ટ્રેલિયાના યુવા બેટસમેન માર્નસ લાબુશેન તેના લાજવાબ ફોર્મને વન-ડે ક્રિકેટમાં પણ પરિવર્તિત કરવા માગશે. ભારત માટે દુવિધા એ છે કે ઓપનિંગમાં રોહિતના સાથીદાર તરીકે શિખર-રાહુલમાંથી કોની પસંદગી કરવી. હાલના પ્રદર્શનને માપદંડ બનાવવામાં આવે તો રાહુલ રેસમાં આગળ છે. ધવનનો પાછલો વન-ડે રેકોર્ડ શાનદાર છે. ઓસ્ટ્રેલિયા સામેના પાછલા વિશ્વકપના મુકાબલામાં શિખર ધવને સદી ફટકારીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. જો કે એ મેચને સાત મહિનાથી વધુનો સમય થઇ ચૂકયો છે. આ પછી ધવન ઇજાને લીધે અને ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યો છે. જો કે તેણે શ્રીલંકા સામેની આખરી ટી-20 મેચમાં અર્ધસદી કરીને ફોર્મમાં વાપસી કરી છે. શ્રેયસ અય્યરના નંબર ચાર પર સારા દેખાવને લીધે એવું કહી શકાય કે રાહુલ-શિખરમાંથી કોઈ એકને વાનખેડે સ્ટેડિયમ પર રમવાની તક મળશે. વાનખેડે સ્ટેડિયમની પિચ મોટાભાગે બેટધરોને અનુકૂળ રહી છે. પાછલી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામેની 2-3ની હારમાંથી સબક લઇને ભારત બે કાંડાના સ્પિનરને રમાડવાનો પ્રયોગ કરશે નહીં. આથી કુલદીપ અથવા ચહલમાંથી એક ઇલેવનમાં હશે. કેદાર જાધવ માટે આ શ્રેણી મહત્ત્વની બની રહેશે. તે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની સિરીઝમાં સારો દેખાવ નહીં કરી શકે તો તે કદાચ તેની આ આખરી શ્રેણી બની રહેશે. મેચ મંગળવારે 1-30થી શરૂ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer