મનજી ભાનુશાળીની સઘન પૂછપરછ

મનજી ભાનુશાળીની સઘન પૂછપરછ
ભાર્ગવ પરીખ દ્વારા અમદાવાદ, તા. 13 : કચ્છના દિગ્ગજ નેતા અને ભાજપના અગ્રણી જયંતી ભાનુશાળીના મર્ડરને એક વર્ષ થયું છતાં હત્યાનો ભેદ ઉકેલવા સુધી પહોંચી નહીં શકેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કચ્છના જાણીતા ગૌસેવક મનજી ભાનુશાળીને વારંવાર સમન્સ પાઠવીને પૂછપરછ માટે અમદાવાદ બોલાવ્યા છે અને આ હત્યા કેસની ગૂંચ ઉકેલવાની કોશિશ થઇ રહી છે. જયંતી ભાનુશાળીનું ટ્રેનમાં પોઇન્ટ બ્લેન્ક મર્ડર થયા પછી એમની એક બેગ અને ફોન ઘણા સમયથી ગુમ છે. આ બેગમાં શું હતું તે એક મોટું રહસ્ય છે. જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં પોલીસે 12 આરોપીઓને પકડી લીધા છે આમ છતાં મૂળ હત્યારો કોણ છે તેના પૂરતા પુરાવા મળ્યા નથી. જયંતી ભાનુશાળીના મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને ભાઉ સાથે મનજી ભાનુશાળી સંબંધ ધરાવતા હતા, એટલું જ નહીં એક જમાનામાં અંગત મિત્ર રહેલા મનજી ભાનુશાળીને જયંતી ભાનુશાળી સાથે મોટો વાંધો પડ્યો હતો. મનજી ભાનુશાળી નરેડી પાસે 60 એકરના આશ્રમનો વહીવટ ચલાવે છે જેમાં 2000 ગાયો રાખે છે. અબડાસાના આ આશ્રમમાં ગાયો માટે ભાનુશાળી સમાજ અને જૈન સમાજ બહુ મોટા પાયે દાન કરે છે. તપાસનીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક જમાનાના જયંતી ભાનુશાળીના આ સમર્થક મનજી ભાનુશાળીને 3 વર્ષ પહેલાં જયંતી ભાનુશાળી સાથે અણબનાવ થયો હતો. તેના કારણે બન્ને વચ્ચે બે વર્ષ સુધી અબોલા રહ્યા હતા. એસઆઇટીના એક ઉચ્ચ અધિકારીએ તપાસ ચાલુ હોવાથી નામ જાહેર ન કરવાની શરતે જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, મનજી ભાનુશાળી અને જયંતી ભાનુશાળી વચ્ચે રાતા તળાવ પાંજરાપોળ નરેડી પાસેની કોઇ જમીન બાબતે અણબનાવ થયો હતો અને જયંતી ભાનુશાળીએ મનજી ભાનુશાળી સામે કલેક્ટરમાં ફરિયાદ કરી હતી જેમાં આક્ષેપ હતો કે, મનજી ભાનુશાળીએ આશ્રમના નામે સરકારની કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે દબાણ કરી દીધું છે. ભાજપના આ કદાવર નેતા જયંતી ભાનુશાળીની આ ફરિયાદ પછી મનજી ભાનુશાળી સામે ઇન્કવાયરી થઇ હતી. મોટા ભાગે મુંબઇ રહેતા મનજીભાઇ સામે આ ફરિયાદ થતાં તેને અવારનવાર ખુલાસાઓ કરવા માટે કચ્છ આવવું પડતું હતું. જેના કારણે મોટી પરેશાનીઓનો સામનો પણ કરવો પડતો હતો. જેથી બન્ને વચ્ચેના સંબંધો ખરાબ થઇ ગયા હતા. આ અરસામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છબીલ પટેલ સાથે મનજી ભાનુશાળીને અંગત સંબંધો થઇ ગયા હતા. એટલું જ નહીં મનીષા ગોસ્વામી અને ભાઉ સાથે પણ એના સંબંધો બંધાયા હતા. મનજી ભાનુશાળી મનીષાને પોતાની બહેન કહે છે. ચૂંટણીમાં હાર્યા પછી છબીલ અને મનજી ભાનુશાળીએ દુશ્મનનો દુશ્મન દોસ્તની જેમ એકબીજા સાથે હાથ મિલાવી દીધા હતા, પરંતુ છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીના ઝઘડામાં ચારિત્ર્યહનન શરૂ થતાં એમણે મનીષા અને ભાઉને બોલાવી જયંતી ભાનુશાળી સાથે સમાધાન કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યારબાદ જયંતી ભાનુશાળીની હત્યા થઇ અને આ હત્યામાં પકડાયેલા બારેબાર આરોપીઓના મોટિવ કોઇપણ રીતે સ્પષ્ટ થતા નથી ત્યારે આ ઝઘડામાં મધ્યસ્થી બનેલા મનજી ભાનુશાળીને ભાનુશાળીની પૂછપરછ પોલીસે એકઠા કરેલા સાંયોગિક પુરાવાને સબૂતમાં ફેરવવા માટે કામ લાગે તેમ છે. એટલે પોલીસે મનજીને છ વખત એસઆઇટી સામે આવવા કહ્યું હતું. પરંતુ એ ગેરહાજર રહ્યા હતા. જેના કારણે એસઆઇટીએ એમની સામે સમન્સ કાઢ્યું હતું અને પોલીસના ડરથી મનજી ભાનુશાળી આજે બપોરથી એસઆઇટી સમક્ષ હાજર થયા છે. પકડાયેલા બારેબાર આરોપીઓના નિવેદનમાં ક્યાંક મનજીનો પણ ઉલ્લેખ છે ત્યારે આ કડીઓ જોડવા માટે મનજી ભાનુશાળીનું ઇન્ટ્રોગેશન જરૂરી હોવાથી અમે ખૂટતી કડીઓ ભેગી કરી રહ્યા છીએ અને મનજી ભાનુશાળીની પૂછતાછથી અમને કેટલીક ખૂટતી કડીઓ પણ જોડાઇ રહી છે. અમને આશા છે કે આના ઇન્ટ્રોગેશન પછી જયંતી ભાનુશાળીના મર્ડરની ગૂંચ ઉકેલાઇ જશે. આ સમગ્ર કેસની તપાસ કરી રહેલા એસઆઇટીના વડા રેલવે ડીઆઇજી ગૌતમ પરમારે તપાસ ચાલુ હોવાથી વધુ માહિતીનો ઇન્કાર કરતાં જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે મનજી ભાનુશાળીની ધરપકડ નથી કરી એને ડિટેઇન કર્યા છે. આ કેસની ખૂટતી કડીઓ એકઠી કરવા માટે અમે એનું ઇન્ટ્રોગેશન કરી રહ્યા છીએ અને આ ઇન્ટ્રોગેશન બાદ અમે આ કેસ સોલ્વ કરવાની ઘણા નજીક પહોંચી જઇશું એવી અમને આશા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer