સીએએ-એનઆરસી ગેરબંધારણીય : વિપક્ષોનો ઠરાવ

આનંદ કે. વ્યાસ તરફથી નવી દિલ્હી, તા. 13 : `પ્રતિકારનો જુસ્સો જાગી ઊઠયો છે' એવી ઘોષણા કરીને કૉંગ્રેસની આગેવાનીમાં વિપક્ષોએ નાગરિકતા (સુધારિત) કાયદો રદ કરવાની અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ (એનઆરસી)/ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને `તત્કાળ' રોકવાની એવી ભૂમિકા પર હાકલ કરી હતી કે આ `પૅકેજ' ગેરબંધારણીય છે અને ગરીબો તથા કચડાયેલા લોકોને નિશાન બનાવે છે. વીસ પક્ષોએ આ બેઠકમાં હાજરી આપી હતી અને એવો આક્ષેપ કરતો ઠરાવ પસાર કરાયો હતો કે કોમવાદી ધ્રુવીકરણને તીવ્ર બનાવવાના ખતરનાક માર્ગ પર ભાજપ આગળ વધી રહ્યો છે. સંયુક્ત ઠરાવમાં એમ પણ જણાવાયું છે કે જે મુખ્ય પ્રધાનોએ તેમના રાજ્યમાં એનઆરસીનો અમલ નહીં કરવાની જાહેરાત કરી છે એ તમામ મુખ્ય પ્રધાનોએ તેમના રાજ્યમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની ગણતરી સસ્પેન્ડ કરવાનું પણ વિચારવું જોઈએ. ઠરાવમાં ત્રણ તારીખોએ શાંતિપૂર્વક અને યોગ્યપણે બંધારણનો બચાવ કરવાની અને ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક પ્રજાસત્તાકનું રક્ષણ કરવા જણાવાયું છે. આ તારીખો 23 જાન્યુઆરી (સુભાષ ચંદ્રબોઝની જન્મતિથિ), 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) અને 30 જાન્યુઆરી (મહાત્મા ગાંધીની શહાદતનો દિવસ) છે. આ પહેલાં નાગરિકતા સુધારા કાયદો અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી (એનઆરસી) મુદ્દે દેશમાં આક્રમક વિરોધ પ્રદર્શનો વચ્ચે આજે આ મુદ્દે વિચારણા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વિપક્ષીદળોની બેઠક બોલાવી હતી. જેમાં સોનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપર દેશને ગુમરાહ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારે દમન અને નફરત ફેલાવ્યાં છે. લોકોને સામુદાયિક આધારે વિભાજિત કરી રહી છે સરકાર. તેમણે કહ્યું હતું કે, દેશમાં અભૂતપૂર્વ અશાંતિ છે. બંધારણને કમજોર પાડવામાં આવી રહ્યું છે અને સરકારી યંત્રણાનો દુરુપયોગ કરવામાં આવે છે. આસામમાં એનઆરસી ઉલટું પડયું છે. મોદી-શાહની સરકાર હવે એનપીઆરની પ્રક્રિયામાં આગળ વધવા લાગી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, આખા દેશમાં એનઆરસી લાગુ કરવા માટે જ એનપીઆર લાવવામાં આવ્યું છે. આજની આ બેઠકમાં દેશની યુનિવર્સિટીઓનાં પરિસરમાં થયેલી હિંસા, આર્થિક સ્થિતિ સહિતના અન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. સોનિયાએ કહ્યું હતું કે, મોદી સરકાર દેશમાં સુશાસન અને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. આજના ભારતના વાસ્તવિક મુદ્દા આર્થિક અને નબળા વિકાસના છે. આ બેઠક પછી રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર જોરદાર હુમલો બોલાવતાં કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીને પડકાર આપે છે કે, પોલીસની સુરક્ષા વિના કોઈપણ યુનિવર્સિટીમાં જઈને બતાવે. દેશનાં અવાજને દબાવી નહીં શકાય. વડાપ્રધાને જવાબ આપવો જોઈએ કે આખરે છાત્રોને રોજગારી કેવી રીતે પ્રાપ્ત થશે. દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે પાટે ચડશે? હવે વડાપ્રધાનમાં છાત્રો અને યુવાનો સામે ઊભા રહેવાની હિંમત નથી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer