અમિત શાહ આજથી બે દિ'' ગુજરાતમાં

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્રણ દિવસમાં બીજીવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે અમિત શાહ પતંગ ચગાવીને ઉત્તરાયણનું પર્વ મનાવશે. દર વર્ષે અમિત શાહ પોતાના કાર્યકરો વચ્ચે જઇને ઉત્તરાયણ મનાવતા હોય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ આ તેમની પહેલી ઉત્તરાયણ છે અને આ વખતે પણ તેઓ કાર્યકરોની વચ્ચે ઉત્તરાયણ મનાવશે. આવતીકાલે બપોર બાદ તેઓ આનંદનગર વિસ્તારમાં કનકકલા ફ્લેટ પર પતંગ ચગાવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે ધારાસભ્ય કિશોર ચૌહાણ અને પ્રદેશ આગેવાનો પણ હાજર રહેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ 15 જાન્યુઆરીએ રોજગારલક્ષી સ્કિલ યુનિવર્સિટીની જાહેરાત કરશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડે, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ પણ હાજર રહેશે. સરકારે આ માટે 20 એકર જમીનની ફાળવણી કરી દીધી છે અને આ યુનિવર્સિટી કલોલ તાલુકામાં બનશે. ભાજપ અધ્યક્ષની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપની સંરચના પર પણ આખરી મહોર લાગી શકે છે. ભાજપના પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા 20 તારીખ સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે, ત્યારે આ મુદ્દે પણ અંતિમ નિર્ણય લેવાઇ શકે છે. આ અગાઉ તાજેતરમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે સીએમ નિવાસ સ્થાને બેઠક કરી હતી. સંગઠનમાં ફેરફાર અને વર્તમાન સમસ્યાઓનું પણ મંથન કર્યું હતું. આ બેઠક આશરે 20 મિનિટ ચાલી હતી જેમાં નીતિનભાઇ પટેલ અને જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer