હવે રમકડાં અને ટીવી આયાત ઉપર લાગશે રોક !

નવી દિલ્હી, તા. 13 : સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર રમકડાં અને ટીવી સેટ્સ જેવી અમુક ઈલેક્ટ્રીક વસ્તુની આયાતમાં કાપ મુકી શકે છે. મલેશિયા અને ઈન્ડોનેશિયાથી પામ ઓઈલની આયાત ઉપર રોક લગાડયા બાદથી અન્ય ચીજ વસ્તુઓની આયાત પણ ઘટાડવાને લઈને ચર્ચા થઈ રહી છે. ક્રૂડ પામ ઓઈલ પહેલા ફ્રી ટ્રેડ લિસ્ટમાં સામેલ હતું પણ હવે યાદીમાંથી બહાર કરવામાં આવ્યું છે અને રિસ્ટ્રિક્ટેડ વસ્તુઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મલેશિયાએ કાશ્મીર અને સીએએ ઉપર ટિપ્પણી કરી હોવાની પામ ઓઈલની આયાત રોકવામાં આવી હોવાનું કહેવાય છે. બીજી તરફ અધિકારીઓના કહેવા પ્રમાણે સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે આયાત ઉપર રોક લાદવામાં આવી છે. આ ઉપરાંત સરકાર પામ ઓઈલ ઉપર નિર્ભરતા ઓછી કરવાના ઉપાયો ઉપર પણ કામ કરી રહી છે. જેથી અન્ય એડિબલ ઓઈલના ઉત્પાદન અને ઉપયોગમાં વધારો કરી શકાય. સૂત્રોના કહેવા પ્રમાણે રમકડાંની આયાત ઉપર રોક લાદવાના ઘણા સૂચનો મળ્યા છે. આ માટે ક્વોલિટી કન્ટ્રોલ અને અન્ય સ્તરો ઉપર પગલાં લેવાનો વિચાર થઈ રહ્યો છે. અમુક સિંગલ બ્રાન્ડ રૂટ એફડીઆઈ હેઠળ આવતા પ્રમુખ સ્ટોર્સ પાસે ચીનના રમકડાંનો મોટો સ્ટોક છે અને સરકાર તેને પ્રતિબંધિતની શ્રેણીમાં તબદીલ કરવાનો વિચાર કરે છે. કોમર્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પ્રમાણે ગત નાણાકીય વર્ષમાં 4500 કરોડના રમકડાં, ગેમ્સ અને સ્પોર્ટસના સામાનો આયાત કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગનો સામાન ચીનથી મગાવવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer