પોષે પણ પલાળ્યા : કચ્છમાં ઠેરઠેર માવઠું

પોષે પણ પલાળ્યા : કચ્છમાં ઠેરઠેર માવઠું
ભુજ, તા. 13 : કચ્છ પર સોમવારની વહેલી સવારે માવઠાંની આગાહી સાચી ઠરતાં કચ્છીઓ દિવસભર ઠંડા પવનોથી ઠર્યા હતા. કચ્છમાં ઠેરઠેર પડેલા માવઠાએ પોષે પણ પલાળ્યા હતા. ભુજમાં જોરદાર ઝાપટું પરોઢે 4.30ની આસપાસ જોરદાર ઝાપટાંએ રમઝટ બોલાવતાં લોકો જાગી ઊઠયા હતા. માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને ખાબોચિયાં ભરાઇ?ગયા હતા, જેને પગલે શીતળતાની તીવ્રતા વધી ગઇ હતી. બપોર સુધી લોકોએ ઘરના બારી-બારણાં બંધ રાખ્યા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારને પણ માવઠાંએ પલાળ્યો હતો. ગાંધીધામ વિસ્તારમાં પતંગ-ફિરકીના પંડાલ પડયા સવારે પાંચ-સાડા પાંચ વાગ્યે ફુંકાયેલા ઠંડા વાયરા સાથે કમોસમી વરસાદે શહેરના માર્ગો પર પાણી રેલાવ્યા હતા, તો વહેલી સવારે મંદિરે કે ફરવા જનારા કાં તો ઘરમાં પુરાઇ રહ્યા અથવા અર્ધ રસ્તેથી પાછા ફરી આવ્યા હતા. દૂધવાળા તથા છાપાનાં ફેરિયા પણ બે ઘડી વિચારમાં પડયા કે શું કરવું ? અંજારમાં ઠંડીમાં વધારો અંજારમાં બદલાયેલા વાતાવરણ બાદ વહેલી સવારથી જ ઝાપટાં અને ઠંડા પવનથી ઠંડીમાં વધારો થયો હતો. દિવસભર ઠંડક પ્રસરેલી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાપટાં પડયા હતા. નખત્રાણામાં ધીમીધારે નખત્રાણામાં વહેલી પરોઢે વાતાવરણ પલટાયા બાદ ધીમીધારે વરસતાં માર્ગો ભીના બન્યા હતા. અડધા કલાક સુધી ચાલુ રહેલા છાંટાના કારણે ઠેરઠેર ખાબોચિયાં ભરાયા હતા. આ માવઠું નખત્રાણા સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોવાનું જાણવા મળ્યું હતું. તો આ કમોસમી વરસાદથી ઘઉં, રાયડો જેવા પાકને નુકસાન ન થાય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. હાલે ખારેક, કેરી જેવા પાકોની સિઝન નથી. બે દિવસના હૂંફાળા વાતાવરણ બાદ આ માવઠાંથી ઠંડીનું પ્રમાણ વધતાં ચોપગા પ્રાણીઓની હાલત કફોડી બની હતી. જો કે, આખો દિવસ સૂર્યનારાયણ પ્રકાશમય રહેતાં લોકોને રાહત મળી હતી. મકરસંક્રાંતે સોમવાર જેવું વાતાવરણ રહેશે તો પતંગરસિયાઓને મોજ પડી જશે. માકપટ્ટમાં ઓશિયો પાક્યો પરોઢે 3.30 વાગ્યે માકપટ્ટમાં ઝાપટાં તો ક્યાંક ઝરમરિયાથી ધીણોધર, અરલ, નાની-મોટી વિરાણી, સુખપર, દેવપર, ભારાપર, જતાવીરા, થરાવડા, બન્નીના છારી, ફુલાય, તલ, લૈયારી, જતાવીરા સમગ્ર વિસ્તારમાં જમીન પલળી હતી. ડંખીલા ઠારના કારણે દૂધાળા ઢોરનું દૂધ ઘટી જતાં ડેરીને દૂધની આવક ઓછી થતાં પુરવઠા પર માઠી અસર થઇ હતી. કારતક માસથી આકાશમાં છવાતા વાદળા તથા વાદળાના લિસોટા, તો ક્યારેક કમોસમી વરસાદ (માવઠું)?થાય તે કુદરતી પ્રક્રિયાને તળપદી ભાષામાં ઓશિયો પાક્યો કહેવાય છે. સંતતિ નિયમનને લાગુ થતી આ કુદરતી પ્રક્રિયાથી ઓશિયાના બરાબર સાડા સાત મહિને એટલે કે 225 દિવસે ચોમાસામાં વરસાદ થવાના એંધાણ બતાવે છે. ગઢશીશામાં બ્રહ્મ મુહૂર્તમાં માવઠું બ્રહ્મ મુહૂર્તે ગઢશીશા ઉપરાંત રત્નાપર, મઉં, મકડા સહિતના ગામોમાં ભરશિયાળે ચોમાસા જેવો વરસાદ પડતાં સોમવારે દિવસે ઠંડા પવનની ગતિ વધી હતી. -તો આંબાના પાકને અસર થાય જો હજી વધુ આવું માવઠું-કમોસમી વરસાદ થાય તો હાલમાં આંબાના વૃક્ષો પર ફ્લાવરિંગ (બોર) લાગવાની સિઝન છે તેને અસર કરે. અને આંબાના ફૂલ સરખા ન ખીલે અને તેના કારણે સિઝન સમય કરતાં પાછળ ઠેલાઇ શકે તેવું મઉં મોટીથી બટુકસિંહ જાડેજા અને રત્નાપરથી મહેન્દ્રભાઇ રામાણીએ જણાવ્યું હતું. અને જો આવું જ વરસાદી વાતાવરણ રહેશે તો પાકમાં જીવાત પડવાની શક્યતા વધશે. ખેડૂતોને દવા છંટકાવ કરવાની જરૂર પડશે. રાપર તાલુકામાં જીરુંને નુકસાન થવાની ભીતિ રાપરમાં વહેલી સવારે 4.30 આસપાસ ઝરમર વરસાદ પડયો હતો. માવઠું પડતાં વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. ખેડૂતો ચિંતિત બન્યા હતા. સવારે લોકોની અવરજવર ખૂબ જ ઓછી હતી. ગામડાઓમાંથી પણ માણસો ખૂબ જ ઓછા પ્રમાણમાં રાપરમાં ખરીદી માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ઉત્તરાયણ છે, માટે વેપારી પતંગ-ફિરકી વિગેરે ધંધાર્થીઓ આજના દિવસે ઘરાકીની રાહ જોતા હતા પણ વરસાદે એ મજા બગાડી હતી. સવારે 11 વાગ્યા બાદ બજારમાં થોડી ચહલપહલ સાથે ઘરાકી જોવા મળી હતી. તાલુકાના નીલપર, બાદરગઢ, ડાભુંડા, ચિત્રોડ, સઇ, ખેંગારપર, ગવરીપર, રામવાવ, સુવઇ, પ્રાગપર વિગેરે ગામોમાં હળવાથી ભારે ઝાપટાં પડયા હતા. ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. વરસાદથી જીરુંના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત થઇ ગયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer