કાલથી કચ્છમિત્ર-એન્કરવાલા કપનો પ્રારંભ

કાલથી કચ્છમિત્ર-એન્કરવાલા કપનો પ્રારંભ
ભુજ, તા. 13 : કચ્છના ઉગતા ક્રિકેટરોને પ્રોત્સાહન પૂરું પાડવા કચ્છમિત્રના આયોજન અને કચ્છ ક્રિકેટ એસોસિયેશન (કેસીએ)ના સંચાલન હેઠળ આયોજિત કચ્છમિત્ર એન્કરવાલા કપ માટેના જંગનો 15મીએ સવારે નવ વાગ્યે મસ્કા ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે અગ્રણીઓ-ક્રિકેટ પ્રેમીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે. બીજી તરફ રતનાલ ખાતે પણ 15મીએ સવારે સંત વલ્લભદાસજી સ્ટેડિયમ ખાતે સ્પર્ધા શરૂ થવાની છે. ટર્ફ વિકેટ પર 25 ટીમો વચ્ચે જામનારા જંગનો મસ્કાના મેદાન ખાતે તા. 15/1ના સવારે કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાના હસ્તે ટોસ ઊછાળી પ્રારંભ થશે. ઉદ્દઘાટન કાર્યક્રમના અધ્યક્ષ પદે ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, નગરપતિ મેહુલભાઇ શાહ, તા.પં. અધ્યક્ષા ગંગાબેન સેંઘાણી, કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ, મેનેજર શૈલેશભાઇ કંસારા, કેસીએના પ્રમુખ બહાદૂરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઇ ધોળકિયા, મંત્રી અતુલ મહેતા, મસ્કા સરપંચ કીર્તિભાઇ ગોર, અનિરુદ્ધભાઇ દવે, ખેરાજભાઇ રાગ, સુરેશભાઇ સંઘાર, દેવાંગભાઇ દવે, રાણશીભાઇ ગઢવી, તા.વિ. અધિકારી શ્રી ગોહિલ, મામલતદાર શ્રી ડાંગી, શૈલેશભાઇ મડૈયાર, વાડીલાલભાઇ દોશી, ભરતભાઇ વેદ, ગીતાબેન ગોર, પ્રવીણભાઇ વેલાણી, રાજેન્દ્રાસિંહ જાડેજા વિ. રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. પ્રથમ મેચમાં સ્વામિનારાયણ ગુરુકુળ કોડાય તથા તુલસી વિદ્યામંદિર નાના ભાડિયા વચ્ચે જંગ જામશે. રતનાલમાં શુભારંભ રતનાલના સંત વલ્લભદાસજી સ્ટેડિયમ પર 15મી જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે સચ્ચિદાનંદ મંદિર-અંજારના પૂ. ત્રિકમદાસજી મહારાજ કચ્છમિત્ર એન્કરવાલા કપનું ઉદ્ઘાટન કરશે. રતનાલના સચ્ચિદાનંદ મંદિરના પૂ. ભગવાનદાસજી મહારાજ, રતનાલ સ્પોર્ટસ ક્લબના ઉપપ્રમુખ રણછોડ વાસણભાઈ આહીર, મ્યાજરભાઈ અરજણભાઈ છાંગા, ત્રિકમભાઈ રામજીભાઈ વરચંદ (રતનાલ સરપંચ), રાધેશ્યામ ત્રિકમભાઈ આહીર (રતનાલ સ્પોર્ટસ ક્લબના મંત્રી) અને કે.સી.એ.ના સહમંત્રી પ્રવીણ હીરાણી ઉપસ્થિત રહેશે. રતનાલમાં ટર્ફ વિકેટ પર પ્રથમ મેચ વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ-ભુજ અને શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ માધાપર વચ્ચે રમાશે. દરમ્યાન સમગ્ર ટૂર્નામેન્ટના બોલના સ્પોન્સર અરજણભાઈ દેવજી ભુડિયા (ઉપસરપંચ-નવાવાસ માધાપર) છે તો સમગ્ર ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ, સેકન્ડ મેન ઓફ ધ મેચને ટી-શર્ટના સ્પોન્સર શ્રીરામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી છે. યુવા ક્રિકેટરોનો ઉત્સાહ વધારવા અલગ-અલગ દાતાઓ દ્વારા ઇનામોની જાહેરાતો વણથંભી છે. જેમાં ભુજ તા. ભાજપના મીડિયા કન્વીનર તથા ભુજ તા. રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ અશોકભાઇ એ. રાણા (સુખપર) દ્વારા મેન ઓફ ધી સિરિઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ વિકેટકીપર, બેસ્ટ બેટ્સમેન, ફાઇનલ મેન ઓફ ધી મેચ, બોલર, બેટ્સમેન તથા વિકેટકીપરને ક્રિકેટનો વ્હાઇટ ડ્રેસ આપવા જાહેરાત કરાઇ છે. ગુલફામ નર્સરીના યુનુસભાઇ સમા દ્વારા પર્યાવરણના રક્ષણ અર્થે અને જનજાગૃતિના હેતુથી કચ્છમિત્ર ક્રિકેટ સ્પર્ધાના દરેક મેચના મેન ઓફ ધી મેચ અને સેકન્ડ મેન ઓફ ધી મેચને એરીકા પામના રોપા-પ્લાસ્ટિકના પોટ સાથે ઇનામ સ્વરૂપે આપવાની જાહેરાત કરાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer