કચ્છને કૃષિ ડેરી, વેટરનરી કોલેજ અપાવવા કોલ

કચ્છને કૃષિ ડેરી, વેટરનરી કોલેજ અપાવવા કોલ
ભુજ, તા.13 : કચ્છના કૃષિ અને પશુપાલન જગત માટે બેહદ મહત્ત્વપૂર્ણ ગણી શકાય તેવી ડિપ્લોમા એગ્રિકલ્ચર, ડેરી ટેકનોલોજી તેમજ વેટરનરી ઓફિસરના અભ્યાસક્રમો ભણાવતી કોલેજો કચ્છમાં ધમધમતી કરવા માટેનું વિચારવલોણું ભુજ શહેરમાં નર્મી સંસ્થા દ્વારા મીડિયા પાર્ટનર `કચ્છમિત્ર'ના સહયોગથી યોજીત 12મા હાઈ-ટેક કૃષિમેળા-ડેરી એક્સ્પોના મંચ પરથી સોમવારે કરાયું હતું. કૃષિમેળા, ડેરી એક્સ્પોનું સફળ પરિણામ કે ફળશ્રુતિ ગણી શકાય, તેવા પ્રસંગમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ કચ્છને કૃષિ, ડેરી ટેક્નોલોજી તેમજ પશુ ચિકિત્સક અધિકારીના કોર્સિસની કોલેજો અપાવવાની ખાતરી મેળાના સમાપન વેળાએ આપી હતી. મુખ્ય પ્રાયોજકો એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., અદાણી ફાઉન્ડેશન, સરહદ ડેરી, અમૂલ ફેડરેશન, સુમિટોમો કેમિકલ ઈંડિયા લિ.ના સહયોગથી યોજીત કૃષિ મેળા-ડેરી એક્સ્પોની મુલાકાતે આવેલા નીમાબેન તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે મેળાના દરેક સ્ટોલની જાત મુલાકાત લઈને જાણકારી મેળવી હતી.અને સમગ્ર આયોજનની પ્રશંસા કરી હતી. લગાતાર ચોથા અને અંતિમ દિવસે કચ્છના ખૂણે ખૂણામાંથી ઉમટેલા કિસાન-પશુપાલક સમુદાયથી ગ્રાઉન્ડ પર ધમધમાટ વચ્ચે કચ્છમાં કૃષિના ડિપ્લોમા સાથે ડેરી ટેક્નોલોજી, તેમજ વેટરનરી ઓફિસરની કોલેજ ઊભી કરવાનું સૂચન કર્યું હતું. ડેરી એક્સ્પોના મુખ્ય પ્રાયોજક સરહદ ડેરીના અધ્યક્ષ વલમજીભાઈ હુંબલે આ કોલેજો ઊભી કરવાની તૈયારી બતાવતાં ભુજના ધારાસભ્યએ તરત જ રાજ્ય અને કેન્દ્ર સ્તરે રજૂઆત કરીને આ મહત્ત્વની સુવિધા કચ્છને અપાવવાનું વચન આપ્યું હતું. મુખ્ય પ્રાયોજક અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન પ્રીતિબેન અદાણી તેમજ મુંદરા અદાણી પોર્ટના એકિઝક્યુટીવ ડાયરેક્ટર રક્ષિતભાઈના માર્ગદર્શન તળે અદાણી ફાઉન્ડેશનનાં સીએસઆર હેડ પંક્તિબેન શાહ તેમજ ફાઉન્ડેશનનાં જ ઉત્થાન પ્રોજેક્ટના અધ્યક્ષ માવજીભાઈ બારૈયાએ આયોજનને પ્રોત્સાહિત કર્યું હતું. પારસભાઈ, રાજુભાઈ સોલંકી સહિત ફાઉન્ડેશનના સભ્યોએ સ્ટોલ પર નિદર્શન અને માર્ગદર્શન આપ્યાં હતાં. ટીમ અદાણી ફાઉન્ડેશનને નર્મી સંસ્થા દ્વારા ટ્રોફીથી સન્માનિત કરાઈ હતી. મુખ્ય પ્રાયોજક એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.ના સ્ટોલની મુલાકાત લઈને ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ એગ્રોસેલના યુવા એમ.ડી. ચૈતન્યભાઈ શ્રોફને નર્મી સંસ્થાની ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.ના સભ્યોએ સંપૂર્ણપણે જેવિક ખાતર `મહાલાભ'નું જીવંત નિદર્શન બતાવતાં હિંસા રોકી, જીવદયા બતાવવાની ઉદ્યોગગૃહની પહેલથી નીમાબેન પ્રભાવિત થયાં હતાં. સમગ્ર આયોજનમાં ચાવીરૂપ સહયોગ આપનાર રામકૃષ્ણ ટ્રસ્ટના અધ્યક્ષ મનોજભાઈ સોલંકી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ છાયાબેન ગઢવી, એગ્રોસેલના જનરલ મેનેજર ખુશાલ ભાનાણી સહિત અગ્રણીઓના હસ્તે કંપનીઓને ટ્રોફી અર્પણ કરાઈ હતી. મુખ્ય પ્રાયોજક સુમિટોમો કેમિકલ ઈંડિયા પ્રા. લિ.ના અધિકારીઓ વિરેનભાઈ શાહ, નિખિલભાઈ જોશીએ આયોજનને બિરદાવ્યું હતું. નર્મી સંસ્થાના અધ્યક્ષ પ્રશાંતભાઈ પટેલનાં માર્ગદર્શન તળે એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર પ્રતીક્ષાબેન પટેલ, વનરાજભાઈ કુવાડિયા, ભવ્ય પટેલ, સુજલ ગણાત્રા, વિશાલ ચૌધરી, નીશા ચૌધરી, ખુશી ધોળુ, જેનીશ વાસાણી, પ્રભુલાલ વાસાણી, રતનશીભાઈ ધોળુ, સુરેશ ધોળુએ આયોજન સંભાળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer