કચ્છમાં આરોગ્ય સુવિધાની ઉત્તરોતર પ્રગતિ જેમનું લક્ષ્ય

કચ્છમાં આરોગ્ય સુવિધાની ઉત્તરોતર પ્રગતિ જેમનું લક્ષ્ય
ગોઝારા ભૂકંપ બાદ તત્કાલ જ્યુબિલી ગ્રાઉન્ડ પર કણસતા દર્દીઓની  સારવાર હોય કે નવી જી.કે. જનરલ હોસ્પિટલ (ગેઈમ્સ)માં મેડિકલ કોલેજની વાત હોય, નાનકડી હોસ્પિટલ મલ્ટિ સ્પેશ્યાલિટી અને હવે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ (કેથલેબ)ની વાત હોય...કે કે.સી.આર.સી.ની રચનાની વાત હોય.... આ બધામાં એક નામ કોમન છે અને એ છે ડો. જ્ઞાનેશ્વર રાવ. સવાયા કચ્છી તરીકે મેડિકલ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓથી સ્થાનિક લોકોનો વિશ્વાસ અને વખાણ સંપાદિત કરી ચૂકેલા આ અગ્રણી સર્જન છેવાડાના અને મોટો વિસ્તાર ધરાવતા કચ્છમાં આરોગ્ય સેવાની ઉત્તરોતર પ્રગતિના લક્ષ્ય સાથે જ આગેકદમ કરતા રહ્યા છે. મોકળા મને કરેલી ગોઠડીમાં ડો. રાવે જીવનના અનેક પાસા ઉજાગર કર્યા હતા. સ. થોડું આપના બેકગ્રાઉન્ડ અને ઉછેર વિશે... મારો પરિવાર હૈદરાબાદથી છે. પિતા મેજર સી. ચક્રપાણિ આર્મીમાં હતા અને તેમની પોસ્ટિંગના હિસાબે મારો જન્મ ડેલહાઉસીમાં થયો હતો. તેમની ડયૂટીને લઈને જમ્મુ-કાશ્મીર, સિક્કિમ, દેવલાલી સહિતના સ્થળોએ મારો ઉછેર અને ભણતર આગળ વધ્યા. 1976માં એચ.એસ.સી.માં મેરિટમાં ગુજરાતમાં બીજા ક્રમે રહ્યો અને ત્યારે જ મેડિકલના ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું હતું. 1981માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એમ.બી.બી.એસ. અને 1985માં એમ.એસ. (જનરલ સર્જન) કર્યું. મૂળે મારે મેડિકલ કોલેજમાં પ્રોફેસર બનવાનું લક્ષ્ય હતું. જામનગરમાં અભ્યાસ વખતે ડો. અલકા (એમ.ડી.-જાણીતા બાળરોગ નિષ્ણાત) સાથે પરિચય થયો અને લગ્ન કર્યા હતાં. નોકરીના ભાગરૂપે 1987માં ભુજની જે.એમ. હોસ્પિટલમાં લાગ્યો. ત્યારબાદ અંજાર રેફરલ હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી અને પછી જી.કે. જનરલ હોસ્પિટલમાં ફુલટાઈમ સર્જન તરીકે ફરજ બજાવી. ત્યારબાદ જનરલ હોસ્પિટલની સામે પોતાની નાનકડી હોસ્પિટલ શરૂ કરી. થોડા સમય બાદ હોસ્પિટલ રોડ પર મારી (ડો. રાવ હોસ્પિટલ) બનાવી. સ. કચ્છમાં મેડિકલ ક્ષેત્રની આપની સફર કેવી રહી છે ? હું હંમેશાંથી માનું છું કે આરોગ્ય સેવાઓ ઉત્તરોત્તર બહેતર બનતી જવી જોઈએ. મેં પહેલા સિંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી ત્યારબાદ 2006માં મેં મુંદરા રોડ પર મલ્ટિ સ્પેશિયાલિટી એકોર્ડ હોસ્પિટલ શરૂ કરી. જેમાં લોકોને એક જ હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સારી સારવાર મળી શકે અને હવે એનાથી એક કદમ આગળ વધવાનો સમય છે અને ભુજમાં જેની ખાસ જરૂરિયાત છે એ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની એટલે કે ભુજમાં સર્વપ્રથમ કેથલેબ સ્થાપવાની તૈયારીઓ પૂર્ણતા ભણી છે. એકોર્ડ હોસ્પિટલમાં જ ઉપરના ભાગે 15 ફેબ્રુઆરીએ આ કેથલેબ શરૂ થઈ જશે. એ સાથે જ ભુજમાં લોકોને હૃદયરોગની સુપર સ્પેશિયાલિટી સેવાઓ મળતી થઈ જશે. અમદાવાદ સ્થિત પાંચથી છ હૃદયરોગ નિષ્ણાતો સાથે મળીને હું આ પ્રોજેક્ટ પાર પાડી રહ્યો છું. શરૂઆતમાં અહીં એન્જિયોગ્રાફીની સેવા મળશે અને છ-આઠ મહિનામાં એકોર્ડમાં જ બાયપાસ સહિતની સર્જરી થવા માંડશે. હોસ્પિટલમાં શરૂઆતથી જ ડી.એમ. કક્ષાના હૃદયરોગ નિષ્ણાતની ફુલ ટાઈમ હાજરી હશે. નેફ્રોલોજી, યુરોલોજી સેવાઓ વિસ્તાર પામશે. સ. ગોઝારા ભૂકંપ બાદ તરત જ્યુબિલી ગ્રાઉન્ડમાં કરેલી તબીબી સેવા... (આંખો જાણે ફ્લેશબેકમાં જતી રહી) એ સમય ક્યારેય ભૂલાશે નહીં. આજેય મેદાન પર પડેલા કણસતા લોકો અને અફરાતફરીના દૃશ્યો તરવરે છે. હું એ સમયે જૂના રેલવે સ્ટેશન પાસે બેડમિન્ટન રમતો હતો. જોરદાર આંચકાથી હચમચી ઊઠયો તરત ઘરે દોડયો. પત્ની, પુત્રી અને પરિવારજનો સલામત હતા એટલે હોસ્પિટલ તરફ દોડયો. કમનસીબે હોસ્પિટલ ધ્વસ્ત થઈ ગઈ હતી. પણ કાબેલ સ્ટાફે તમામ દર્દીઓને બહાર લાવી દીધા હતા એટલે તેઓ બચી ગયા. મારી આંખમાંથી આંસુ નીકળતાં જોઈને કોઈએ કહ્યું, તમે ડોક્ટર થઈને ઢીલા પડશો તો કેમ ચાલશે ! એ સવાલથી મારા અંદરનો તબીબ પણ ઢંઢોળાયો. એ સમય તબીબીધર્મ બજાવવાનો હતો. મેં તરત જ્યુબિલી ગ્રાઉન્ડ જઈને એક સોયથી સારવાર શરૂ કરી. ગ્રાઉન્ડમાં ઘાયલોની સંખ્યા વધતી ગઈ. મેં મક્કમ થઈને ટાંકા લેવાનું શરૂ કર્યું. મારા માણસોને અને લોકોને ફટાફટ સાધનો લાવવા કહ્યું. થોડી વારે ત્યાં ડો. મહાદેવ પટેલ, ડો. પી.એન. આચાર્ય, ડો. કે.વી. પૂજારા, ડો. ભરત જોશી વગેરે પણ દોડી આવ્યા. પરિચિતોના મોતના ખબર મળવા છતાં મેં ઈજાગ્રસ્તોની સારવાર જારી રાખી. બપોર સુધીમાં 150 દર્દીના ઘા સીવ્યા. સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ ઓપરેશન ટેબલ તથા થોડા સાધનોની વ્યવસ્થા કરાવી. એક ભાઈ લાચાર અવસ્થામાં કહે મારી પુત્રીને જોઈ દો... ચોમેર દર્દીઓથી ઘેરાયેલા મારાથી બોલાઈ ગયું કે તમારા પુત્રી જીવિત નથી. તેણે કહ્યું કે મને અંદાજ તો હતો પણ કન્ફર્મેશન મળી જાય તો હું મારી દટાયેલી પત્નીને બચાવવા જઈ શકું... કુદરતની થપાટે માનવીને કેવો લાચાર બનાવી દીધો. સ. આરોગ્ય ક્ષેત્રે યાદગાર ક્ષણ કઈ ? આમ તો દર્દી સાજો થાય એ દરેક ક્ષણ ડોક્ટર માટે યાદગાર હોય અને ભૂકંપ પછી જ્યુબિલી ગ્રાઉન્ડમાં કરેલી કામગીરી તો છે જ પણ મને લાગે છે કે દિવ્યાંગો, પેરાપ્લેજિક દર્દીઓ માટે 2003માં મારા પ્રયાસોથી કચ્છ સર્વગ્રાહી પુનર્વસન કેન્દ્ર (કે.સી.આર.સી.)ની સ્થાપના થઈ એ કદાચ મને સૌથી યાદગાર અને સંતોષજનક ઘટના લાગે છે. ધરતીકંપ બાદ લોકોને ત્વરિત સારવાર તો આપી પણ જે ઘાયલ થયા છે એમની લાંબાગાળાની સારવારનું શું ? આવો વિચાર ઉદ્ભવ્યો હતો અને અમારા સ્પંદન ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મેડિકલ રિલીફ ટ્રસ્ટ હેઠળ કે.સી.આર.સી.ની રચના થઈ હતી. વિકલાંગો માટે કાયમી સારવાર કેન્દ્ર સમા આ સેન્ટરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે, મંદબુદ્ધિઓ માટે સારવાર, સરકારના નેશનલ બ્લાઈન્ડનેસ ઈરેડિકેશન પ્રોગ્રામ, અષ્ટાવક્ર યોજનાનો અમલ વગેરે થાય છે. સ. સામાજિક સેવાઓ, રોટેરિયન તરીકેની કામગીરી વિશે થોડું...રોટરી ક્લબમાં તો હું છેક 30 વર્ષ પહેલાં જ જોડાયો હતો. પ્રમુખ સહિતના પદો અને જવાબદારી નિભાવી. 2013-14માં રોટરી ડિસ્ટ્રીક્ટ 305ના ગવર્નર તરીકે પણ ભૂમિકા ભજવી. ભુજમાં સ્વર્ગ પ્રયાણધામ (સ્મશાન)નું નિર્માણ કદાચ સામાજિક પ્રવૃત્તિઓમાં મારા માટે સૌથી મહત્ત્વની ભૂમિકા ગણી શકાય. ભુજ બેડમિન્ટન એસોસીએશન પ્રમુખનું પદ સંભાળું છું. અગાઉ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં માનદ સલાહકારની ભૂમિકા ભજવી છે. સ. ડોક્ટર સાહેબ બેડમિન્ટનના સારા ખેલીડી રહી ચૂક્યા છે.. (હસીને) રમત ગમતમાં અગાઉથી રુચિ હતી. બેડમિન્ટનમાં ઓપન ગુજરાતમાં રનર્સઅપ રહી ચૂક્યો છું. 1977-78માં સિંગલ્સ-ડબલ્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અન્ડર 19માં ફૂટબોલની ઓપન ગુજરાત-સ્કૂલ ગેમ્સ પણ રમ્યો છું. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં 1979થી 1982 સુધી સળંગ ત્રણ વર્ષ એથ્લેટિક ચેમ્પિયન હતો. સ. નવી જી.કે. જનરલ હોસ્પિટલ (અદાણી ગેઈમ્સ)માં પણ તમારી ભૂમિકાઓ રહી છે.. હા, ભૂકંપ બાદ જ્યારે નવી જનરલ હોસ્પિટલની ચર્ચા હતી ત્યારે મેં 500 પથારીની હોસ્પિટલની રજૂઆત સાથે ભુજમાં જનરલ સાથે મેડિકલ કોલેજ પણ બને તેવી રજૂઆતો કરી હતી કારણ કે મેડિકલ ફિલ્ડનો યોગ્ય વર્કફોર્સ મળે નહીં તો બહુ મોટી હોસ્પિટલ જોઈએ તેટલી કામ ન આવે. એ માટે કેન્દ્ર અને ગુજરાત સરકારના તત્કાલીન નેતાઓ સમક્ષ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. અંતે 2009થી મેડિકલ કોલેજ પણ શરૂ થઈ હતી. હું?ત્યાં શરૂઆતથી જ તબીબી છાત્રોને ભણાવવા જતો જ હતો. 2013-14માં મને હોસ્ટિપલમાં મેડિકલ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળવા જણાવાયું એકોર્ડની જવાબદારી ઉપરાંત જનરલ હોસ્પિટલમાં પણ ભૂમિકા ભજવવાનું આસાન નહોતું પણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં શરૂઆતથી જોડાયેલો રહ્યો હોવાથી મેં હામી ભરી હતી. સ. એક તબીબ અને સામાજિક અગ્રણી તરીકે ભુજ શહેરને બહેતર બનાવવા સૂચન? જુઓ, પહેલું તો ભુજમાં સારી સ્પોર્ટસ કલબ હોવી જોઈએ, ખેલકૂદ માટેની બહેતર સુવિધાઓ વિકસવી જોઈએ, મને સમય મળ્યો તો મારું આગામી લક્ષ્ય કોઈ સ્પોર્ટસ કલબ સ્થાપવાનું હશે. એ ઉપરાંત સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચરની પણ કમી છે. સામાજિક માળખું અન્ય વિકાસની તુલનાએ વિકસ્યું નથી. બુદ્ધિજીવીઓની ફોરમ, સારા સાહિત્ય-નાટકોના સમારોહ જેમ પ્રવૃત્તિઓ ભુજમાં ઓછી દેખાય છે. સ. તમે મૂળ આંધ્રના છો, એક સવાઈ કચ્છી તરીકે કચ્છને કેવી રીતે મૂલવો છો? (હસીને) મને અહીં 30થી વધુ વર્ષ થઈ ગયા. ભુજ-કચ્છના લોકો સારા છે, હું બહારનો હોવું એવું મને ક્યારેય લાગ્યું નથી અને અહીંના લોકોને પણ ક્યારેય એવું લાગ્યું નથી. તબીબ તરીકેની ફરજમાં જ્યારે હું કચ્છ આવ્યો ત્યારે મનમાં જાણે નક્કી હતું કે નિયત સમયની ડયૂટી પૂરી થશે એટલે અન્યત્ર જવાનું છે પણ ધીમે ધીમે જાણે અહીંની માયા બંધાતી ગઈ. આમ તો દરેક વ્યક્તિએ જીવનમાં બદલતા સમયને અનુકૂળ અપડેટેડ રહેવું જોઈએ પણ તબીબો માટે એ વાત વિશેષ લાગુ પડે છે. એટલે જ ડો. રાવ પણ મેડિકલ ફિલ્ડના નવા નવા અભ્યાસ અને સંશોધનોને આત્મસાત કરતા રહ્યા છે. આપણે તેમને જનરલ સર્જન તરીકે ઓળખીએ છીએ. વધુમાં કહીએ તો લેપ્રોસ્કોપીક સર્જન, એન્ડોસ્કોપિસ્ટ તરીકે જાણીએ છીએ પણ તેમણે તબીબી ક્ષેત્રમાં વધારાની સર્જિકલ ટ્રેઈનિંગ સહિતના કેટલાય અભ્યાસ અને સંશોધનો કર્યા?છે. જેની સૂચી બહુ લાંબી છે પણ મેડિકલ સિવાયના ફિલ્ડમાં પણ તેમનો અભ્યાસ ઉલ્લેખનીય છે. તબીબી ફરજ દરમ્યાન તેમણે એલએલ.બી. પણ કર્યું છે. હોસ્પિટલ મેનેજમેન્ટમાં એમ.બી.એ. પણ કર્યું છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લો એન્ડ એથિકસનો કોર્સ કર્યો છે અને ડિપ્લોમા ઈન જર્નાલિઝમ પણ કર્યું છે. મેડિકલનું ભણતર કેવું હોવું જોઈએ તેમનું જ્ઞાન તેમની પાસે છે. આમ તેમણે પોતાના નામને સાર્થ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે એમ કહી શકાય. અહીં નોંધવું રહ્યું કે ડોકટર શબ્દ લેટિનના ડોકેર એટલે કે શીખવું પરથી આવ્યો છે. આમ ડો. રાવ ડોકટર શબ્દ અને પ્રોફેસનને પણ સાર્થક કરી રહ્યા છે. તેઓ 1992-93માં ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (આઈએમએ)ના સ્થાનિક પ્રમુખ બન્યા હતા અને ભુજમાં આઈએમએની ઈમારત અને તેની આરોગ્ય સુવિધાઓના વિકાસમાં ડો. રાવની મહત્વની ભૂમિકા છે. સ્ટેટ આઈ.એમ.એ. ના ઉપપ્રમુખ રહી ચૂકયા છે તો ગુજરાત સ્ટેટ સર્જન્સ એસોસીએશનના ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર છે. કે.સી.આર.સી. ની ઈમારતમાં ત્રીજા માળ સુધી ટ્રાઈસિકલ જઈ શકે એવી દિવ્યાંગોને અનુકૂળ સુવિધા બદલ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ સહિતના સન્માન મેળવી ચૂકયા છે. તેમના પુત્રી આયુષી આયર્લેન્ડના ડબલીનમાં રોયલ કોલેજ ઓફ સર્જનમાં અભ્યાસ કરે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer