અંજારના 30 મકાનો તોડવા સામે `રૂકજાવ''

અંજાર, તા. 13 : શહેરના જેસલ-તોરલ વિસ્તાર લાકડા બજારની બાજુમાં આવેલા ઠૂંઠ વિસ્તારમાં ઘણા સમયથી રહેણાક કરતા શ્રમિક પરિવારનાં 30થી વધુ પરિવારજનોને સિટી સર્વે તથા વહીવટી તંત્ર દ્વારા 5 દિવસમાં દબાણો દૂર કરવા પરિવારને પાઠવાયેલી નોટિસ સામે રૂકજાવનો આદેશ મળ્યો છે. આ અંગે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલ તથા તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અરજણભાઈ ખાટરિયા દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર, સિટી સર્વે, નાયબ કલેક્ટર, સુધરાઈને આવેદનપત્ર પાઠવી ગરીબ પરિવારો માટે અન્ય સ્થળે વ્યવસ્થા કરાવી ત્યારબાદ દબાણો દૂર કરવાની રજૂઆત કરી હતી, પરંતુ સ્થાનિક તંત્રે દાદ ન અપાતાં અને વહીવટી તંત્ર પર વિશ્વાસ હોઈ કોંગ્રેસ પક્ષ વતીથી હાઈકોર્ટમાં દાદ મેળવવા માટે ધારાશાત્રી બાબુભાઈ માગુઠિયા તેમજ બેલાબેન પ્રજાપતિ ધા નાખતાં વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતાં શ્રી હુંબલે જણાવ્યું હતું કે, એક બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરેક ગરીબ પરિવારને મકાન આપવાની વાતો વચ્ચે વહીવટી તંત્ર દબાણના બહાના હેઠળ અન્યાય કરે છે. શહેરમાં અનેક શ્રીમંતો રાજકીય અગ્રણીઓની કરોડોની કિંમતની જમીનો-દબાણ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગરીબ પરિવારના દબાણો હટાવવા તંત્ર બહાદુરી બતાવે છે. આવા પરિવારને યોગ્ય ન્યાય અપાવવા તેમજ અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાદ આ પરિવારના દબાણો હટાવવા માટે હાઈકોર્ટમાં દાદ મેળવવા માગણી કરી હતી. કાર્યવાહીનો તમામ ખર્ચ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પક્ષ દબાણને પ્રોત્સાહન નથી આપતો પરંતુ યોગ્ય વ્યવસ્થા બાદ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer