21 વર્ષ બાદ બેંક વસૂલાતનો દાવો ગાંધીધામની અદાલતે રદ જાહેર કર્યો

ગાંધીધામ, તા. 13 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીધામ શાખામાંથી 21 વર્ષ પહેલાં ક્રેડિટ કાર્ડથી લેવાયેલી લોનની વસૂલાત નિયત સમયમર્યાદામાં ન કરાતાં બેંક વસૂલાતનો દાવો જ ગાંધીધામ અદાલતે રદ કર્યો છે. અત્રેની સિનિયર સિવિલ જજ, ગાંધીધામ કોર્ટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-ગાંધીધામ શાખા દ્વારા દાખલ કરી વસૂલાતનો દાવો આશરે એકવીસ વર્ષ બાદ રદ કરવામાં આવેલો છે. જે અંગે કારણ અપાયું છે કે નિયત સમયમાં દાવો થયો નથી અને બેંક દ્વારા વસૂલાતની રકમ સાબિત કરી શકાઇ નથી. આ બાબતે ટૂંકી વિગત મુજબ ગાંધીધામના સતીશ કટારિયા દ્વારા વર્ષ 1990માં ક્રેડિટ કાર્ડ દ્વારા રૂા. 25000ની લોન લેવામાં આવી હતી કે જે તે સમયે ભરપાઇ કરવામાં આવી હતી પરંતુ બેંક દ્વારા રૂા. 66360નો વસૂલાતનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતે પ્રતિવાદી દ્વારા રજૂઆત કરવામાં આવી કે, જે તે સમયે લોન ચૂકતે થઇ ગઇ છે. બેંક દ્વારા જે ચેક રજૂ કરવામાં આવેલ છે તેમાં પ્રતિવાદી દ્વારા સહી કરાઇ નથી. વાદી બેંક દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ બુક્સ ઓફ એકાઉન્ટ્સ અને રેકોર્ડ નથી તેમજ બેંક વસૂલાતની બાકી રકમ હોવાનું સાબિત થતું નથી. આ બાબતે પ્રતિવાદી વતી એડવોકેટ કુ. વીનીબેન ચાંદ અને ચિરંજીવ ટંડન હાજર રહી વિવિધ કાયદાની કલમો અને વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કરેલા હતા કે જે કોર્ટ દ્વારા માન્ય રાખી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો દાવો રદ કરવા હુકમ કર્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer