કોટડા અને દુધઇ વચ્ચેના માર્ગના ખાડાઓ માટે હવે ચક્કાજામ કરાશે

કોટડા અને દુધઇ વચ્ચેના માર્ગના  ખાડાઓ માટે હવે ચક્કાજામ કરાશે
કોટડા (તા. અંજાર), તા. 13 : ભુજ-ભચાઉ વાયા દુધઇ રાજ્ય ધોરીમાર્ગ નં. 42 ઉપર કોટડા-દુધઇ વચ્ચે ટી.પી.એલ. કંપની પાસેથી દુધઇ 66 કે.વી. સબ સ્ટેશન સુધી 3 કિ.મી.ના અંતરમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓના લીધે આ સ્થળે અત્યાર સુધી અનેક અકસ્માતો થયા છે, જેમાં કોટડા ગામના યુવાન સહિત 5થી 6 લોકોને જીવ ગુમાવવો પડયો છે, તો અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઘણી વખત તે આ ખાડાઓના લીધે કલાકે સુધી ટ્રાફિક જામ પણ થઇ જાય છે. ખાડાઓને રિપેર કરવા સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત સ્થાનિકે લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દીન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવી ફરિયાદ કરતાં આ વિસ્તારના તેમજ કોંગ્રેસના યુવા આગેવાન અને કોટડાના પૂર્વ સરપંચ વિક્રમભાઇ છાંગા દ્વારા રાજ્યસ્તરે જેમને રાજ્ય સરકાર દ્વારા ભુજોડી ઓવરબ્રીજ સહિત આ રોડના અધૂરા કામને તાત્કાલિક ધોરણે પૂરો કરવાની સીધી જવાબદારી સોંપવામાં આવી છે તેવા ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર હરેશ મોદીનો ટેલિફોનિક સંપર્ક કરીને યોગ્ય કરવા રજૂઆત કરાઇ છે. પણ તેમનો કોઇ જ પ્રત્યુત્તર મળ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ જ રોડનું કામ છે, જેમાં ભુજોડી ઓવરબ્રીજ અને ભચાઉ ઓવરબ્રીજ સામેલ છે અને આ રોડનું કામ પણ તે જ એજન્સી કરી રહી છે. આ એજન્સી દ્વારા ભુજોડી અને ભચાઉ ઓવરબ્રીજની જેમ આ રોડના ખાડાઓ રિપેર કરવાનું કામ લટકાવી મૂકવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં ખાડાઓ રિપેર કરવા આવેલા એજન્સીના સબ કોન્ટ્રાકટરે બિલનું સમયસર ચૂકવણું થતું ન હોવાનું જણાવી ભુજોડી અને ભચાઉ ઓવરબ્રીજની જેમ આ રોડનું કામ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ આજ દિવસ સુધી કોઇ જ કાર્યવાહી થયેલી નથી જેના લીધે આ રોડની હાલત અત્યંત દયનીય બની છે. આ ખાડાઓને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં નહીં આવે, તો નાછૂટકે કોટડા સહિત આ વિસ્તારના અજુબાજુના ગામડાઓના આગેવાનો તેમજ ગ્રામ્યજનોને સાથે રાખીને આગામી સમયમાં ચક્કાજામ કરી દેવાની ફરજ પડશે. તેવી ચીમકી વિક્રમભાઇ છાંગા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer