ઊર્મિ કાવ્યોના જાણીતા સર્જકનું નિધન

ઊર્મિ કાવ્યોના જાણીતા સર્જકનું નિધન
ભુજ, તા. 13 : ઊર્મિ કાવ્યોના જાણીતા સર્જક અને મહેફિલના માણસ તરીકે કવિ વર્તુળમાં વિખ્યાત સર્જક વંચિત કુકમાવાળા (ઉ.વ. 65)નું ગઈ મોડીરાત્રે નિધન થતાં સાહિત્ય જગતમાં શોકનું મોજું ફેલાયું છે. કચ્છમિત્રમાં તેમની કટાર શબ્દોના ઈન્દ્રધનુ ઘણી લોકપ્રિય બની હતી. ભુજ તાલુકાના કુકમામાં 12મી એપ્રિલ 1955ના જન્મેલા વંચિતભાઈનું મૂળ નામ જેઠાલાલ નોંઘજી પરમાર હતું પણ માતૃભૂમિ પ્રત્યેના લગાવના કારણે તેમણે તખલ્લુસ વંચિત કુકમાવાળા રાખ્યું હતું જે તેમની હંમેશની ઓળખ બની ગઈ હતી. કચ્છમિત્રના દીપોત્સવી સહિતના અંકોમાં તેમની રચના અલગ જ છાપ છોડી જતી તો ખ્યાતનામ કવિઓ અને સાહિત્યકારોનો જીવન પરિચય તેમજ તેમના કાવ્યો અંગે રસદર્શન કરાવતી કટાર શબ્દોના ઈન્દ્રધનુ 20-10-2013થી સળંગ પાંચ વર્ષ પોતાની આગવી છટાથી ચલાવી હતી. વંચિતભાઈ ભુજ શહેર સુધરાઈના કર્મચારી હતા. સરળ વ્યવહાર થકી સહકર્મચારીઓમાં ભારે લોકપ્રિય બન્યા હતા અને નિવૃત્તિ પછી સાહિત્યસર્જનમાં વધુ પ્રવૃત્ત રહ્યા હતા. ભુજમાં અને કચ્છમાં યોજાતા મુશાયરા તેમના વગર જાણે અધૂરા બની જતા. ગુજરાતી સાહિત્યજગતમાં પણ તેમની ઓળખ ઊભી થઈ હતી. તેમના ગીતો પણ સુગમ સંગીતમાં જાણીતા બન્યા હતા. શાળાઓ તથા યુવાઓને સાહિત્યથી જોડવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. કવિ સુરેશ દલાલે તેમના વિશે સાચું જ લખ્યું હતું કે તેઓ જે કંઈ લખે છે તે પારદર્શક હોય છે અને કોઈના પડઘામાં રાચતા નથી. પોતાની મૌલિકતા સાચવીને લખે છે. આજે સવારે તેમના નિવાસસ્થાન ઓધવબાગ-2થી નીકળેલી સ્મશાનયાત્રામાં જાણીતા કવિઓ રસિક મામતોરા, પબુ ગઢવી, રમણીક સોમેશ્વર સહિતના ચાહકો જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer