નરાધમોને ફાંસીની સજા આપવા ઉચ્ચકક્ષાએ માંગ

નરાધમોને ફાંસીની સજા આપવા ઉચ્ચકક્ષાએ માંગ
ભુજ, તા. 13 : મોડાસા તા.ના સાંયરા ગામની દલિત દીકરી કાજલબેન રાઠોડનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ કરી હત્યાના જઘન્ય કૃત્ય બદલ નરાધમોને કડકમાં કડક અને અન્ય ગુનેગારો પર ધાક બેસાડતી સજાની રાજ્યપાલ, મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, આઇ.જી. સહિતને અલગ-અલગ રાજકીય, સામાજિક સંસ્થાઓએ આવેદન પાઠવી માંગણી કરી હતી. આજે જિલ્લા કલેકટર ભુજ તેમજ રેન્જ આઇ.જી. મારફતે મુખ્યમંત્રી તેમજ ગુજરાત પોલીસ વડાને ભારતીય મહિલા અત્યાચાર વિરોધી મોર્ચા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ જિલ્લા દ્વારા આવેદનપત્ર આપી રાજ્ય સરકાર પાસે પીડિત પરિવાર માટેની માંગણી સાથે રજૂઆત કરાઇ હતી. જેમાં જણાવાયા મુજબ 16 વર્ષની દીકરી કાજલબેન સાથે જઘન્ય કૃત્ય કરનારાઓને કડક સજા થાય અને ભવિષ્યમાં અન્ય કોઇ દીકરી સાથે આવું કૃત્ય કરવા પહેલાં વિચારે તે માટે અપરાધીઓને ફાંસીની સજાની રજૂઆત કરાઇ હતી. બેટી બચાવો, બેટી પઢાવોના પોકળ નારાઓ આપનારી રાજ્યની સરકાર મહિલાઓ, માતાઓ, બહેનોની સુરક્ષા આપવામાં તદન નિષ્ફળ નીવડી હોવાનું આવેદન પત્રમાં જણાવી આ દેશની સાથે રાજ્યની દીકરીઓ આજે સલામત નથી. કાયદો વ્યવસ્થા પડી ભાંગી હોવાનું ઉમેર્યું હતું. રાજ્ય સરકાર પાસે માંગ કરતાં જણાવાયું હતું કે, કાજલબેનના પરિવારને આ કેસ પૂરો ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત અપાય, કેસ ફાસ્ટ ટ્રેડ કોર્ટમાં ચલાવાય, બેદરકારી દાખવનાર પો. ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરાય અને રાજ્ય સરકાર આ કેસની ગંભીરતા સમજી તપાસ માટે સીટની રચના કરાય તેમજ ચાર આરોપીમાંથી ત્રણની ધરપકડ થઇ છે. બાકી એકની તાત્કાલિક ધરપકડ કરાય તેવી રજૂઆત કરાઇ હતી. રજૂઆત સમયે ભારતીય મહિલા અત્યાચાર વિરોધી મોર્ચો, ગુજરાત અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાના પ્રમુખ નરેશ મહેશ્વરી, અંજાર ચોવીસી ગુર્જર મેઘવાળના પ્રમુખ ભરતભાઇ વાણીયા, અ.ક. મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપ્રોત્રા, લો.જ.શ. પાર્ટીના સતારભાઇ માંજોઠી, આંતર રાષ્ટ્રીય ભીમસેનાના મયૂરભાઇ બળીયા, ભુજ મહેશ્વરી સમાજના પ્રમુખ મંગલભાઇ ફમ્મા, પાલારા મતીયાદેવ સમિતિના ડી.એલ. સોધમ, મહેશ્વરી એકતા મંચના રાજુભાઇ દાફડા, મુસ્લિમ એકતા મંચના કન્વીનર મામદભાઇ જત, મુલનિવાસી મહિલા સંઘના લક્ષ્મીબેન ચુઇયા, મહેશ્વરી સમાજના જિલ્લા મહામંત્રી જેઠાલાલ ઘુડિયા, મૈત્રી મંડળ (ઉ.પ.)ના પૂર્વ પ્રમુખ દેવજી મકવાણા, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી. કે. હુંબલ, પ્રદેશ આગેવાન આદમ ચાકી, રવિ ત્રવાડી, કલ્પનાબેન જોશી, જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્ર ગોહિલ, ડો. રમેશ ગરવા વિ.એ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer