જિલ્લા શિક્ષણ કચેરીમાં હજુ જૂના મદદનીશ નિરીક્ષકોના આંટાફેરા ?

ભુજ, તા. 13 : જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કચ્છની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં નિરીક્ષણ માટે પાંચ શાળા વિકાસ સંકુલ મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને કામગીરીની ફાળવણી કરવામાં આવી છે, તેમ છતાં અમુક જૂના મદદનીશ શિક્ષણ નિરીક્ષકો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં કચેરીમાં આંટાફેરા કરી રહ્યા છે અને કચેરીની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહ્યા હોવાનો આક્ષેપ ઊઠી રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા શિક્ષણ કચેરીમાં પાંચ વર્ષ માટે મદદનીશ શિક્ષણ નિરીક્ષકોની શાળાઓમાં નિરીક્ષણની કામગીરી માટે નિમણૂક કરવામાં આવતી હોય છે. જેમાં તાજેતરમાં સાંદીપનિ શાળા વિકાસ સંકુલ ભુજ તાલુકામાં બી.આર. વકીલ, ગાંધીધામ-અંજારમાં જે.બી. સથવારા, નખત્રાણા, અબડાસા, લખપત તાલુકા માટે કુ. ડી.વી. પંડયા, ભચાઉ-રાપર તાલુકામાં જે.એન. પટેલ અને માંડવી-મુંદરા તાલુકામાં જી.જી. નાકરની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કચેરીમાં જૂના મદદનીશ શિક્ષણ નિરીક્ષકો પોતાની શાળાની કામગીરી સંભાળવાના બદલે કચેરીની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહ્યા હોવાનો આક્ષેપ ઊઠી રહ્યો છે. દરમ્યાન આગામી 27મી જાન્યુઆરીથી ધો. 9 અને 10 તથા ધો. 11 અને 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમિનરીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer